કેન્સલ થયેલી ફ્લાઇટનું રીફંડ આપમેળે પાછું આવી જશે: ઇન્ડિગોએ યાત્રીઓ માટે કરી રાહતદાયક જાહેરાત

નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઇન દેશમાં સૌથી મોટા એવિયેશન સંકટનો સામનો કરી રહી છે. છેલ્લા 5 દિવસમાં સેંકડો ફ્લાઈટ રદ થવાથી યાત્રીઓ એરપોર્ટ પર પહોંચીને હેરાન થઈ રહ્યા છે. ઈન્ડિગોના પ્રવાસીઓને પડી રહેલી હાલાકી અંગે સોશિયલ મીડિયા પર લોકો રીતસર બળવો પોકારી રહ્યા છે. ત્યારે હવે ફ્લાઇટ કેન્સલ થવાને કારણે યાત્રીઓને પડેલી હાલાકીને લઈને ઇન્ડિગો દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે.
ફ્લાઇટ કેન્સલેશન અને રીશિડ્યુલિંગ ફ્રી રહેશે
ઇન્ડિગો એક્સ પર યાત્રીઓની માફી માંગવાની સાથે લખ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસ થોડા કપરા રહ્યા છે અને આ પરિસ્થિતિમાંથી એક દિવસમાં બહાર આવી શકાય તેમ નથી. અમે અમારી સંપૂર્ણ ક્ષમતા સાથે સિસ્ટમને રીબૂટ કરવાનો અને સંચાલનને સામન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 5 ડિસેમ્બરે ફ્લાઇટ કેન્સલ થવાની સમસ્યા વધારે રહી છે, કારણ કે એરલાઇન પોતાની દરેક સિસ્ટમ અને શિડ્યુલને રીસેટ કરી રહી છે, જેથી આગલા દિવસના સંચાલનમાં સુધારો આવી શકે.
ઇન્ડિગો દ્વારા આગળ જણાવવામાં આવ્યું છે કે, દરેક કેન્સલ ફ્લાઇટ્સનું રિફંટ આપમેળે એજ પેમેન્ટ મોડમાં આવી જશે, જેનાથી ટિકિટ બુક કરવામાં આવી હતી. 5 ડિસેમ્બર 2025થી 15 ડિસેમ્બર 2025 સુધી તમામ બુકિંગ પર કેન્સલેશન અને રીશિડ્યુલિંગ ફ્રી રહેશે. મોટા શહેરોમાં યાત્રીઓ માટે હજારો હોટલમાં રૂમ અને સર્ફેસ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ પર ફસાયેલા યાત્રીઓ માટે નાસ્તો તથા જમવાનું પૂરૂ પાડવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સીનિયર સિટીઝન માટે શક્ય હોય ત્યાં લાઉંજ એક્સેસ પૂરૂ પાડવામાં આવી રહ્યું છે.
ફ્લાઇટ કેન્સલ થઈ છે, તો એરપોર્ટ પર આવશો નહીં
ઇન્ડિગોએ પોતાના યાત્રીઓને અપીલ કરી છે કે, યાત્રીઓએ વેબસાઇટ અથવા નોટિફિક્શન પર પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવું જોઈએ. જો ફ્લાઇટ કેન્સલ થઈ છે, તો એરપોર્ટ પર આવશો નહીં. વધતા કોલ વોલ્યુમનું સંચાલન કરવા માટે કસ્ટમર કેરની ક્ષમતા પણ વધારવામાં આવી છે. સાથોસાથ ઇન્ડિગોના AI આસિસ્ટન્ટ ‘6Eskai’નો ઉપયોગ કરીને યાત્રીઓ રિફંટ, સ્ટેટસ અને રીબુકિંગની માહિતી મેળવી શકે છે.
આ પણ વાંચો…ઇન્ડિગોના સીઇઓએ માફી માંગી, કહ્યું સ્થિતી સામાન્ય કરવા ત્રિ-સ્તરીય રણનીતિ અમલી



