
દિલ્હીમાં સતત પ્રદુષણ વધી રહ્યું છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા પ્રતિદિન ખરાબ થઈ રહી છે. નવી દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 400 ને પાર થઈ ગયો છે. AQI 400 ને પાર જવો એ ખૂબ જ ભયાનક માનવામાં આવે છે. AQI વધી જવાથી અત્યારે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
દિલ્હીમાં હવા ખરાબ થતા હવે લોકો પર આરોગ્યનું સંકટ તોળાઈ રહ્યું છે. દિલ્હીમાં આજે પ્રદૂષણ સામે વિરોધ કરવા માટે લોકો રસ્તા પર ઉતર્યાં છે. આ વિરોધ પ્રદર્શનમાં AAP અને કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોના નેતાઓ જોડાયા હતાં.
દેશની રાજધાનીમાં રહેવું મુશ્કેલ થઈ જશે?
રાજકીય નેતાઓ સહિત લોકોએ ઇન્ડિયા ગેટ તરફ કૂચ કરી અને દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે સરકાર પાસે નક્કર અને અસરકારક નીતિઓ ઘડવાની માંગણી કરી હતી. પ્રતિદિન દિલ્હીના હવા ખબાર થવાના કારણે નજીકના ભવિષ્યમાં દેશની રાજધાનીમાં લોકોને રહેવું મુશ્કેલ થઈ જવાનું છે.

આ લોકો પ્રદર્શન કરી રહ્યાં હોવાથી પોલીસે તેમને રોક્યાં હતાં. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ઇન્ડિયા ગેટ પ્રદર્શન કરવાની જગ્યા નથી. દિલ્હીમાં જો પ્રદર્શન કરવા માટે માત્ર જંતરમંતરને અધિકૃત સ્થાન નક્કી કરવામાં આવેલું છે, જેથી પોલીસે આ લોકોને ત્યાં જઈને પ્રદર્શન કરવા માટે કહ્યું હતું.
નિયમોના ભંગ બદલ પોલીસે અટકાયત કરી
જે લોકોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું તે લોકોની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. દિલ્હીના લોકોનું કહેવું છે કે દિલ્હીની હવા અત્યારે ખૂબ જ ખરાબ છે. દિલ્હીમાં AQIનું લેવત સતત ઉપર જઈ રહ્યું છે. સ્થાનિકોએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, આ મામલે લોકો શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યાં છે તેમને પણ સરકાર રોકી રહી છે, જેથી લોકોએ સરકાર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં પરંતુ સરકાર પ્રદૂષણનો સાચો આંકડો છુપાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં AQIની શું સ્થિતિ છે?
દિલ્હીના AQI લેવલની વાત કરવામાં આવે તો, 1લી નવેમ્બરે સાંજે 4 વાગ્યા સુધી સરેરાશ AQI 322 હતો. ત્યાર બાદ 2જી નવેમ્બરના રોજ AQI 330 થઈ ગયો હતો. ત્રીજી નવેમ્બરે AQI 340 એ પહોંચી ગયો હતો ત્યાર બાદ 4 નવેમ્બરના AQI 350, 05 નવેમ્બરે 360, 6 નવેમ્બરે 361, 7 નવેમ્બરે 391 અને આઠમી નવેમ્બરે AQI 361 પર હતો. જ્યારે આજે AQIનું સ્તર 400ને પાર પહોંચી ગયું છે, જેના કારણે દિલ્હીની હવા વધારે ખરાબ થઈ ગઈ છે.



