ગ્રાહકોના હિતમાં RBIએ કર્યો મોટો નિર્ણય, દર સાત દિવસે ક્રેડિટ સ્કોર થશે અપડેટ

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ દેશના ધિરાણ માળખાને વધુ મજબૂત બનાવવા અને ગ્રાહક-કેન્દ્રિત બનાવવા માટે 26 નવેમ્બરના રોજ ડ્રાફ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા નિયમો 1 એપ્રિલ 2026 થી લાગુ થશે. આ ફેરફારો લોન લેનારાઓ માટે સીધો અને મોટો ફાયદો લાવશે, કારણ કે હવે ક્રેડિટ સ્કોર અપડેટ થવા માટે લાંબી રાહ જોવી પડશે નહીં. તમામ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CICs)ને હવે દર 15 દિવસને બદલે દર 7 દિવસે ક્રેડિટ સ્કોર અપડેટ કરવો પડશે, જેનાથી લોન લેવાની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે.
નવી માર્ગદર્શિકા મુજબ, CICsને દર મહિનાની 7, 14, 21 અને 28 તારીખે તેમજ મહિનાના છેલ્લા દિવસ સુધીનો ડેટા અપડેટ રાખવો પડશે. આ માટે બેંકો અને NBFCs દર મહિનાની 3જી તારીખ સુધીમાં પોતાનો ડેટા મોકલશે. આ ચાર નિર્ધારિત તારીખો પર ઇન્ક્રીમેન્ટલ ડેટા મોકલવામાં આવશે, જેમાં એકાઉન્ટ ખોલવું કે બંધ કરવું, લોન સ્ટેટસમાં ફેરફાર અથવા ક્રેડિટ સ્કોરને અસર કરતો કોઈપણ અન્ય ફેરફાર જેવી માહિતી સામેલ હશે. આનાથી ગ્રાહક દ્વારા લોન કે ક્રેડિટ કાર્ડ ક્લોઝરની જાણ બેંક દ્વારા તે જ દિવસે CICsને કરવાની ફરજ પડશે, જેથી ગ્રાહકનો ક્રેડિટ સ્કોર તરત જ સુધરી શકે અને લોન મેળવવામાં થતી મુશ્કેલીઓ દૂર થાય.
આ ફેરફારોના મુખ્ય ચાર સીધા ફાયદાઓમાં સૌથી મહત્વપૂર્ણ છે ગ્રાહકની સુરક્ષા. હવે બેંક કે NBFCs ગ્રાહકની સ્પષ્ટ પરવાનગી વિના ક્રેડિટ રિપોર્ટ એક્સેસ કરી શકશે નહીં. આનાથી ગ્રાહકનો સ્કોર બિનજરૂરી રીતે ઘટશે નહીં અને તેની ક્રેડિટ પ્રોફાઇલ સુરક્ષિત રહેશે. જો કોઈ બેંક કે CICs દ્વારા ખોટી રિપોર્ટિંગ, સુધારામાં વિલંબ અથવા ગ્રાહકની પરવાનગી વિના ક્રેડિટ તપાસ કરવામાં આવશે, તો તેમના પર ભારે દંડ લાદવામાં આવશે. આ દંડના ડરથી બેંકો ક્રેડિટ ડેટાને વધુ સચોટ અને અપડેટેડ રાખવા મજબૂર થશે, જેનાથી ગ્રાહકોને ઝડપથી સ્કોર સુધાર મળી શકશે. વધુમાં, બેંકોને અપડેટેટ ક્રેડિટ રિપોર્ટ મળવાથી તેઓ જોખમનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકશે અને લોનના વ્યાજ દર, રકમ અને મુદત યોગ્ય રીતે નક્કી કરી શકશે.
ક્રેડિટ સ્કોર, જે સામાન્ય રીતે 300 થી 900ની વચ્ચે ગણાય છે. જ્યાં 700 થી 900 ખૂબ સારો મનાય છે, તે વ્યક્તિના ધિરાણ રેકોર્ડ ક્રેડિટ કાર્ડ અને લોન એકાઉન્ટની માહિતી, EMI અને બિલની સમયસર ચુકવણી, નાદારી વગેરેનો સારાંશ છે. તે દર્શાવે છે કે તમે લોન પાત્રતા માટે કેટલા વિશ્વસનીય છો.
કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર મુખ્યત્વે નીચેની બાબતો પર આધાર રાખે છે:
30%: સમયસર લોન ચુકવણી (Repayment History).
25%: સિક્યોર્ડ કે અનસિક્યોર્ડ લોનનો ગુણોત્તર.
25%: ક્રેડિટ એક્સપોઝર.
20%: લોનનો ઉપયોગ.
ભારતમાં લાઇસન્સ પ્રાપ્ત CICs (જેમ કે CIBIL) દ્વારા ક્રેડિટ રિપોર્ટ જારી કરવામાં આવે છે, જે તેમની સત્તાવાર વેબસાઇટ પરથી વર્ષમાં એકવાર મફતમાં અને ત્યારબાદ સબ્સ્ક્રિપ્શન પ્લાન દ્વારા જોઈ શકાય છે. RBIના નવા નિયમો આ સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક અને ગ્રાહક-લક્ષી બનાવશે.
આપણ વાંચો: બંગાળની ખાડીમાં મોસમનો મિજાજ બદલાયો: જાણો ગુજરાત, મહારાષ્ટ્ર પર શુ અસર થશે?



