
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના પરિણામો સામે આવ્યા છે, અને આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેનો અર્થ એ થયો કે તમારા લોનની EMI પર કોઈ અસર નહીં થાય. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ 29 સપ્ટેમ્બરથી શરૂ થયેલી બેઠકના નિર્ણયો જાહેર કરતા ભારતીય અર્થતંત્ર માટે ઉત્સાહજનક સમાચાર આપ્યા છે. નાણાકીય વર્ષ 2026 માટે GDP ગ્રોથનો અંદાજ વધારીને 6.8% કરવામાં આવ્યો છે, જે આર્થિક સ્થિરતા અને વૃદ્ધિનો સંકેત આપે છે.
રેપો રેટ યથાવત્, GDP અંદાજમાં વધારો
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશવાસીઓને દશેરા અને ગાંધી જયંતીની શુભેચ્છા પાઠવીને બેઠકના નિર્ણયો જાહેર કર્યા. તેમણે જણાવ્યું કે રેપો રેટ 5.5% પર યથાવત્ રાખવામાં આવ્યો છે, જેમાં MPCના તમામ છ સભ્યોની સહમતિ છે. આ ઉપરાંત, SDF રેટ 5.25% અને MSF રેટ 5.75% પર પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ખાસ વાત એ છે કે આરબીઆઈએ FY26 માટે GDP ગ્રોથનો અંદાજ 6.5%થી વધારીને 6.8% કર્યો છે, જે દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે.
આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026ની વિવિધ ત્રિમાસિક ગ્રોથના અંદાજો પણ જાહેર કર્યા. બીજી ત્રિમાસિક (Q2) માટે GDP ગ્રોથનો અંદાજ 6.7%થી વધારીને 7% કરવામાં આવ્યો છે, જ્યારે ત્રીજી ત્રિમાસિક (Q3) માટે 6.6%થી ઘટાડીને 6.4% અને ચોથી ત્રિમાસિક (Q4) માટે 6.3%થી ઘટાડીને 6.2% કરવામાં આવ્યો છે. આરબીઆઈના ગવર્નરે જણાવ્યું કે ઘરેલુ માંગમાં વધારો, રોકાણમાં સતત વૃદ્ધિ અને સ્થિર આર્થિક વાતાવરણને કારણે આ અંદાજોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આરબીઆઈએ મોંઘવારીને મોરચે પણ રાહતના સમાચાર આપ્યા છે. FY26 માટે રિટેલ મોંઘવારીનો અંદાજ 3.1%થી ઘટાડીને 2.6% કર્યો છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે દેશમાં લાગુ કરવામાં આવેલા GST સુધારાઓના કારણે મોંઘવારી નિયંત્રણમાં રહેશે. આ વર્ષે રેપો રેટમાં કોઈ ફેરફાર ન થયો હોવા છતાં, 2025માં અગાઉ ફેબ્રુઆરી, એપ્રિલ અને જૂનની બેઠકોમાં રેપો રેટમાં 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6.50%થી 5.50% કરવામાં આવ્યો હતો.
રેપો રેટ શું છે?
રેપો રેટ એ એવો વ્યાજ દર છે, જેના પર આરબીઆઈ દેશની બેંકોને લોન આપે છે. આ દરમાં ફેરફારની સીધી અસર ગ્રાહકોની હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોનની EMI પર પડે છે. જો રેપો રેટ ઘટે, તો બેંકોને સસ્તી લોન મળે છે, અને તેઓ ગ્રાહકોને ઓછા વ્યાજ દરે લોન આપે છે, જેનાથી EMI ઘટે છે. બીજી તરફ, રેપો રેટ વધે તો બેંકો વ્યાજ દર વધારે છે, જેનાથી લોન મોંઘી થાય છે. હાલના નિર્ણયથી લોન લેનારા ગ્રાહકોને હાલ પૂરતી રાહત મળી છે.
આપણ વાંચો: દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી વધારો, જાણો લેટેસ્ટ ભાવ…