Rameshwaram Cafe blast: ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ધરપકડ

બેંગલુરુઃ માર્ચ મહિનામાં બેંગલુરુમાં થયેલા બ્લાસ્ટની તપાસ કરી રહેલી એજન્સી નેશનલ ઈન્વેસ્ટિંગેશન એજન્સી (NIA)એ સાંઈ પ્રસાદ નામના એક યુવાનની ધરપકડ કરી છે, જે ભાજપનો કાર્યકર્તા હોવાનો દાવો થઈ રહ્યો છે. એજન્સીએ શુક્રવારે કર્ણાટકના શિવામોગ્ગા જિલ્લાના તીર્થાહલ્લીમાંથી સાંઈ પ્રસાદની ધરપકડ કરી હોવાની માહિતી મીડિયા દ્વારા મળી છે.
અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર સાંઈ પ્રસાદ આ કેસમાં શંકાસ્પદ વ્યક્તિ સાથે કથિત રીતે સંપર્ક હતો. અગાઉ એજન્સીએ તીર્થાહલ્લીમાં બે યુવકોના ઘર પર રેડ પાડી હતી અને સાથે મોબાઈલ શૉપ ધરાવતા એક વ્યક્તિના ઘરે પણ રેડ પાડવામાં આવી હતી.
આ ત્રણેય સાથે સાંઈ પ્રસાદે સંપર્ક કર્યો હોવાથી તેને પૂછપરછ માટે પકડવામાં આવ્યો છે. આ સાથે એવી માહિતી પણ મળી છે કે ચિક્કામાગાલુરુમાં એક પોલીસ અધિકારીએ મુખ્ય ષડયંત્રકારને ભાડે ઘર આપવામાં પણ મદદ કરી હોવાની અત્યાર સુધીના તપાસમાં બહાર આવ્યું છે.
મુઝમ્મીલ શરીફ, જેને બેંગલુરુમાં રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટ કેસના કથિત માસ્ટર માઈન્ડ તરીકે ઓળખવામાં આવ્યો છે, તેણે પોતાની માતાને આ પોલીસ અધિકારીની મદદથી ચિક્કામાગાલુરુમાં રહેવાની વ્યવસ્થા કરી હતી, તેમ અહેવાલ જણાવે છે.
ત્રણ રાજ્યોમાં રેડ પાડ્યા બાદ શરીફ નામનો આરોપી એજન્સીને મળ્યો હોવાનું ન્યૂઝ એજન્સી જણાવે છે.
ત્રીજી માર્ચે એનઆઈએના હાથમાં આ કેસ આવ્યો હતો. અત્યાર સુધીની તપાસ અનુસાર મુસાવીર સાહેબ હુસૈન મુખ્ય આરોપી તરીકે ઓળખવામાં આવ્યો છે, જેણે બ્લાસ્ટ કર્યો હતો, અન્ય આરોપી અબ્દુલ માથીન તાહા પણ છે જે અન્ય કેસોમાં પણ વૉન્ટેડ છે. આ બન્ને હજુ પોલીસની પક્કડથી બહાર છે.