‘દરેક હિંદુ માટે છે રામ મંદિર.. સૌ કોઇએ કાર્યક્રમનો ભાગ બનવું જોઇએ..’ જાણો કયા કોંગ્રેસી મુખ્યપ્રધાને આ કહ્યું?
સ્વિત્ઝર્લેન્ડના દાવોસ (davos)માં યોજાયેલી World Ecconomic Forumની બેઠકમાં દેશમાંથી અનેક રાજ્યોના મુખ્યપ્રધાન પહોંચ્યા છે. તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 15થી 19 જાન્યુઆરી સુધી ચાલનારા કાર્યક્રમમાં પત્રકારો સાથે ખાસ વાતચીત દરમિયાન તેમને રામમંદિર વિશે સવાલો પૂછવામાં આવતા તેમણે લોકસભા ચૂંટણી તથા રામમંદિર બંને વિશે મોટું નિવેદન આપ્યું હતું.
તેલંગાણા માટે મોટી સંખ્યામાં રોકાણકારોને આકર્ષવા માટે, મારા રાજ્યનું માર્કેટિંગ કરવા માટે હું અહીં પહોંચ્યો છું તેવું રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું. ‘મારા રાજ્ય તેલંગાણા તથા હૈદરાબાદ માટે મોટું રોકાણ લાવવાનો મારો હેતુ છે.’ તેવું કહેતા Telangana CMએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને બેઠકો અપાવવા માટે મારા તરફથી શક્ય તેટલા તમામ પ્રયાસો કરવામાં આવશે. તેલંગાણામાં વિધાનસભાના પરિણામોમાં જનતાએ કોંગ્રેસને તક આપી જ છે, અને હવે લોકસભામાં પણ વધુમાં વધુ બેઠકો મળે તે માટે પ્રયત્નો કરવાના છે.
આ સાથે જ રામમંદિરના ઉદ્ઘાટન વિશે તેમણે જણાવ્યું હતું કે રામ મંદિર દેશના તમામ હિંદુઓ માટે છે, હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતા તમામ લોકોએ તેની મુલાકાત લેવી જોઇએ. સૌકોઇએ કાર્યક્રમનો ભાગ બનવું જોઇએ. રામમંદિર કાર્યક્રમને પગલે ભાજપને રાજકીય ફાયદા વિશે તેમણે જણાવ્યું હતું કે, ‘જો ભાજપ રાજકારણ માટે આનો ઉપયોગ કરી રહ્યુ હોય તો તે ધર્મ આધારિત રાજકારણ કરી રહ્યું છે, જો કે તેનાથી ભાજપને કોઇ ફાયદો થવાનો નથી.’ તેવું તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીએ ઉમેર્યું હતું.