શ્રીરામના ભક્તો માટે આનંદના સમાચાર, રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય પૂર્ણ...
Top Newsનેશનલ

શ્રીરામના ભક્તો માટે આનંદના સમાચાર, રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય પૂર્ણ…

અયોધ્યાઃ શ્રી રામ મંદિરના નિર્માણ કાર્ય સંબંધી દરેક કાર્ય પૂર્ણ થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિતિર્થ ક્ષેત્ર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે જાણ કરીને ખૂશી વ્યક્ત કરી છે. મંદિર નિર્માણનું જે કાર્ય બાકી હતું તે અત્યારે પૂર્ણ થઈ ગયું છે. જેથી અયોધ્યા જવાનું વિચારતા શ્રી રામ ભક્તો માટે આ ખૂશીના સમાચાર છે. રામ મંદિરના નિર્માણ કાર્યોમાં હજી ચાલદીવારી, ટ્રસ્ટ કાર્યાલય જેવા કેટલાક કામો બાકી છે, પરંતુ ભક્તોને આ કાર્યો સાથે કોઈ નિસબત નથી તેવું શ્રી રામ જન્મભૂમિતિર્થ ક્ષેત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

શ્રી રામ જન્મભૂમિતિર્થ ક્ષેત્રએ આપી જાણકારી

શ્રી રામ જન્મભૂમિતિર્થ ક્ષેત્રએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ભગવાન રામના બધા ભક્તોને જણાવતા આનંદ થાય છે કે મુખ્ય મંદિર, કિલ્લાની દિવાલમાં છ મંદિરો – ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, સૂર્યદેવ, દેવી ભગવતી, દેવી અન્નપૂર્ણા અને શેષાવતાર સહિત તમામ મંદિર બાંધકામ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિરો પર ધ્વજવંદો અને કળશ સ્થાપિત કરવામાં આવ્યા છે’.

જટાયુ અને ખિસકોલીની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી

વધુમાં જાણકારી આપતા લખ્યું કે, સપ્ત મંડપ (સાત મંડપ), એટલે કે મહર્ષિ વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, શબરી અને ઋષિ પત્ની અહલ્યાના મંદિરોનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયું છે. સંત તુલસીદાસ મંદિર પણ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે સાથે જટાયુ અને ખિસકોલીની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. મુલાકાતીઓની સુવિધા અથવા વ્યવસ્થા સાથે સીધા સંબંધિત તમામ કાર્યો પૂર્ણ થઈ ગયા છે.

અત્યારે માત્ર આ કામો જ બાકી છે

નકશા અનુસાર રસ્તાઓ અને પેવિંગ L&T દ્વારા કરવામાં આવી રહ્યા છે, અને 10 એકર પર પંચવટી બાંધકામ, જેમાં જમીનનું સુંદરીકરણ, હરિયાળી અને લેન્ડસ્કેપિંગનો સમાવેશ થાય છે, તે GMR દ્વારા ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલમાં ફક્ત એવા જ કામો ચાલી રહ્યા છે જે જનતા સાથે સંબંધિત નથી, જેમ કે 3.5 કિલોમીટર લાંબી બાઉન્ડ્રી વોલ, ટ્રસ્ટ ઓફિસ, ગેસ્ટ હાઉસ, ઓડિટોરિયમ વગેરે. આ કામ બાકી છે કે પરંતુ ભક્તોને તેના સાથે કોઈ સંબંધ નથી. જેથી હવે ભક્તો શ્રી રામના સંપૂર્ણ મંદિરના દર્શન કરવા માટે જઈ શકે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button