ઉત્તર પ્રદેશની AMUમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી, અલીગઢ પોલીસે 4 વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નોંધી
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના કેમ્પસમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં માર્ચ યોજવા બદલ પોલીસે ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સોમવાર સવારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતી માર્ચનો વીડિયો મળ્યા બાદ રાજકીય નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ બાદ અલીગઢ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. AMU પોલીસ ચોકીના સબ ઈન્સ્પેક્ટરે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.
અલીગઢના પોલીસે જણાવ્યું હતું કે, “આ કેસમાં ચાર વિદ્યાર્થીઓનું નામ નોંધવામાં આવ્યું છે અને અન્ય આરોપી વિદ્યાર્થીઓની ઓળખ હજુ સુધી થઈ નથી. તે બધા પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 188 (જાહેર સેવક દ્વારા જાહેર કરાયેલ આદેશનો અનાદર) અને 505 (જાહેર દુરાચારનું કારણ બને તેવા નિવેદનો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ પર એએમયુમાં સંબંધિત અધિકારીઓની પૂર્વ પરવાનગી લીધા વિના આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વિરોધ માર્ચ કાઢવાનો પણ આરોપ છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કારણ કે અમારી તપાસ હજુ ચાલુ છે.”
અલીગઢ પોલીસે એફઆઈઆરમાં જે ચાર વિદ્યાર્થીઓના નામ નોંધ્ય છે તેમાં ડોક્ટર ઓફ ફિલોસોફીનો અભ્યાસ કરી રહેલા ખાલિદ, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો વિદ્યાર્થી આતિફ અને એમએના બે વિદ્યાર્થીઓ મોહમ્મદ નાવેદ અને કામરામનો સમાવેશ થાય છે.
એએમયુના પ્રોક્ટર મોહમ્મદ વસીમ અલીએ જણાવ્યું હતું કે માર્ચનું આયોજન પૂર્વ પરવાનગી વિના કરવામાં આવ્યું હતું અને તેથી તે ગેરકાયદેસર હતું. અલીએ કહ્યું, આપણા દેશે ચાલી રહેલા યુદ્ધ અંગે જે સ્ટેન્ડ લીધું છે, AMU તેની સાથે છે. અમે કેમ્પસમાં સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય મુદ્દા પર કોઈપણ અનુશાસન ભંગને મંજૂરી આપીશું નહિ. અમે આંતરિક તપાસનો આદેશ પણ આપ્યો છે અને કાયદાના નિયમનું ઉલ્લંઘન કરતા તમામ લોકો સામે પગલાં લેવામાં આવશે.