રાજ્યસભાના સભાપતિ ધનખડ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કયા મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી?
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષે હંગામો કર્યો હતો. જેના કારણે પ્રથમ દિવસે માત્ર થોડી જ મિનિટ માટે ગૃહની કાર્યવાહી થઈ હતી. સંસદમાં હંગામા વચ્ચે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ અને વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. ખડગેએ આપેલા જવાબથી સભાપતિ સંતુષ્ટ થયા નહોતા.
આજે સવારે 11 કલાકે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો શરૂ કર્યો હતો. સભાપતિ જગદીપ ધનખડ તેમની વાત રાખવા જઈ રહ્યા હતા ત્યારે વિપક્ષ તરફથી ખડગે પણ તેમની વાત રજૂ કરવા માંગતા હતા. વિપક્ષના નેતાઓએ બૂમબરાડા પાડીને ‘લીડર ઑફ અપોઝિશન’ને બોલવા દો તેમ કહ્યું હતું.
જેના પર ધનખડે કહ્યું, “હું બોલ્યો તેને હજુ સેકન્ડ પણ નથી થઈ અને તમે લોકો બૂમબરાડા પાડી રહ્યા છો. તેનાથી વિપક્ષ નેતાની ગરિમાને નુકસાન પહોંચે છે.” બાદમાં ધનખડે વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેને કહ્યું, “આપણા બંધારણના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આશા છે તમે મર્યાદામાં રહેશો.” તેના પર ખડગેએ જવાબ આપ્યો કે, “આ 75 વર્ષમાં મારું પણ યોગદાન 54 વર્ષનું છે, તમે મને ન શીખવાડો.”
મંગળવાર, 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસર પર લોકસભા અને રાજ્યસભાની બેઠક નહીં મળે. બંને ગૃહોની આગામી બેઠક બુધવારે સવારે 11 કલાકે મળશે.