બિહારમાં રાજ્યસભાની 5 બેઠકો માટે દાવપેચ: મહાગઠબંધનમાં તિરાડના સંકેત, જાણો શું ગણિત

પટના: વસ્તીની દ્રષ્ટિએ ભારતના ત્રીજા સૌથી મોટા રાજ્ય બિહારનું રાજકારણ હમેશા જટિલ રહ્યું છે, કેમ કે અહીં ચૂંટણીઓમાં રાષ્ટ્રીય પક્ષો સાથે સ્થાનિક પક્ષો પણ મજબુત પ્રભુત્વ ધરાવે છે. આવનારા દિવસોમાં બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટેની ચૂંટણી ખુબજ રસપ્રદ રહે તેવી શક્યતા છે, અહેવાલ મુજબ આ ચૂંટણી દરમિયાન મહાગઠબંધનમાં તિરાડ પડી શકે છે.
આગામી એપ્રિલમાં બિહારની પાંચ રાજ્યસભા બેઠકો ખાલી થવાની છે, આ ખાલી થનારી બેઠકો માટેની ચૂંટણીનું ગણિત ખુબ જ રસપ્રદ જણાઈ રહ્યું છે. આ પાંચ બેઠકોમાંથી ચાર હાલમાં NDA પાસે છે અને એક મહાગઠબંધન પાસે છે.
ગત વર્ષે વિધાનસભા ચૂંટણી બાદના સંખ્યાબળની ધ્યાનમાં લઈએ તો NDA ચાર બેઠકો જીતી શકે છે. જ્યારે પાંચમી બેઠક માટે હોર્સ ટ્રેડિંગ અને રાજકીય દાવપેચની જરૂર પડી શકે છે, જેના કારણે મહાગઠબંધનમાં તિરાડ પણ પડી શકે છે.
બિહાર વિધાનસભાની સ્થિતિ:
બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે, હાલમાં, NDA પાસે 202 વિધાનસભ્યો છે, જેમાં ભાજપ 89, JDU 85, LJP રામવિલાસ 19, HAM 5, અને રાષ્ટ્રીય લોક મોરચા 4 વિધાન સભ્યોનો સમાવેશ થાય છે.
બીજી તરફ મહાગઠબંધન પાસે 35 વિધાનસભ્યો છે, જેમાં RJD ના 25, કોંગ્રેસના 6 અને અન્યના 4 વિધાનસભ્યોનો સમાવેશ થાય છે.
છ વિધાનસભ્યો કોઈપણ ગઠબંધનમાં જોડાયેલા નથી, જેમાં AIMIM ના પાંચ અને BSP ના એક વિધાનસભ્યનો સમાવેશ થાય છે. પાંચમી રાજ્યસભા બેઠક માટે સૌની નજર આ છ વિધાન સભ્યોના વલણ પર હશે.
રાજ્યસભા ચૂંટણીમાં જીતનું સૂત્ર:
પાંચ રાજ્યસભા બેઠકો પર ચૂંટણી થવાની છે, હવે જો બિહાર વિધાનસભા બેઠકોની કુલ સંખ્યાને ખાલી રાજ્યસભા બેઠકોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે (243/5 + 1 = (40.5) ≈ 41) તો એક બેઠક જીતવા માટે 41 વિધાનસભ્યોના મતની જરૂર છે.
NDA પાસે 202 વિધાનસભ્યો છે, માટે ચાર બેઠકો (41×4=164) પર તેની જીતી નક્કી છે, NDA પાસે હજુ પણ 38 મત બાકી રહે છે. મતલબ કે પાંચમી બેઠક જીતવા માટે NDAને ત્રણ વિધાનસભ્યોના મતની જરૂર છે.
બીજી બાજુ, મહા ગઠબંધન પાસે 35 વિધાન સભ્યો છે, પાંચમી બેઠક જીતવા વધુ 6 વિધાનસભ્યોના મતની જરૂર (35 + 6 = 41) છે.
દાવ ક્યા ફસાયેલો છે?
નોંધનીય છે કે AIMIM ના પાંચેય વિધાનસભ્યો મુખ્યપ્રધાન નીતિશ કુમારને બહારથી ટેકો આપી ચુક્યા છે. રાજ્યસભા ચૂંટણી માટે તેઓ મહાગઠબંધનના ઉમેદવારને મત અપાશે કે નહીં એ નક્કી નથી, બસપાના એક વિધાનસભ્યનું વલણ પણ સ્પષ્ટ નથી.
કોંગ્રેસ નેતા શકીલ અહેમદે કહ્યું હતું કે રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસ RJD થી અલગ રસ્તો અપનાવશે.
LJP (રામવિલાસ પાસવાન)ના નેતા સંજય સિંહે દાવો કર્યો છે કે મકરસંક્રાંતિ પછી કોંગ્રેસના છ વિધાનસભ્યો NDAમાં જોડાઈ શકે છે. જો આવું થાય, તો પાંચમી રાજ્યસભા બેઠક પણ NDAએ જીતી શકે છે.
NDAમાં કેટલી સીટ કોને મળશે?
NDA જીત નક્કી છે એ ચાર બેઠકો માંથી બે ભાજપને અને બે JDUને મળશે. જે રાજ્યસભા સાંસદનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે, એમાં RLM નેતા ઉપેન્દ્ર કુશવાહનો પણ સમાવેશ થાય છે, સમસ્યા એ છે કે તેમની પાર્ટીના ચાર વિધાનસભ્યોમાંથી ત્રણ નારાજ છે, કેમ કે ઉપેન્દ્ર કુશવાહના દીકરાને મંત્રી બનાવવામાં આવ્યો છે, જે કોઈ પણ ગૃહોના સભ્ય નથી.



