નેશનલ

પુરાવા હોય તો ચૂંટણી પંચમાં ફરિયાદ કરો: રાજનાથ સિંહે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

પટના: છેલ્લા કેટલાક મહિનાથી પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વોટ ચોરી’ની વાત કરી રહ્યા છે. જેને લઈને ચૂંટણી પંચ રાહુલ ગાંધી પાસે પુરાવા માંગી રહ્યું છે. ત્યારે હવે આ અંગે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ રાહુલ ગાંધી પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે. રાજનાથ સિંહે રાહુલ ગાંધીને શું કહ્યું, આવો જાણીએ.

કૉંગ્રેસ લોકોમાં ભાગલા પાડે છે

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે બિહારની ચૂંટણી રેલીમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. સાસારામમાં એક ચૂંટણી સભાનું સંબોધન કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, “જો રાહુલ ગાંધીને એવું લાગે છે કે બિહારમાં વોટ ચોરી થઈ રહી છે, તો તેમણે જુઠ્ઠાણું ફેલાવવાને બદલે પુરાવા સાથે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. હવે તેમની પાસે મુદ્દાઓ ખૂટી ગયા છે. જેથી તે પાયાવિહોણા આરોપ લગાવી રહ્યા છે. “

રાજનાથ સિંહે કોંગ્રેસની નીતિઓ પર પ્રહાર કરતા કહ્યું કે, “કોંગ્રેસ જાતિ, સંપ્રદાય અને ધર્મના નામે લોકોમાં ભાગલા પાડે છે. આ સકારાત્મક રાજકારણની નિશાની નથી.” તેમણે કહ્યું કે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) સરકાર દેશની સુરક્ષા, વિકાસ અને જાહેર વિશ્વાસ પર આધારિત છે, જ્યારે વિપક્ષ માત્ર ખોટા આરોપો અને વિભાજનકારી રાજકારણમાં માને છે.

આતંકીઓને ધર્મ જોઈને નથી માર્યા

રાહુલ ગાંધીના સંરક્ષણ સેવાઓમાં અનામત અંગેના નિવેદન પર આકરા પ્રતિક્રિયા આપતા સિંહે કહ્યું કે, “રક્ષા દળો આ બધાથી ઉપર છે. એક ‘ડાકણ’ પણ ઘર છોડી દે છે, પરંતુ કોંગ્રેસે રાજકારણમાં આવી શિષ્ટાચાર પણ છોડી નથી.” રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે, “ભારત ક્યારેય કોઈને ઉશ્કેરતું નથી, પરંતુ જો કોઈ ભારતને ઉશ્કેરે છે, તો તેમને છોડવામાં આવશે નહીં.”

સંરક્ષણ પ્રધાને ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરતા જણાવ્યું કે, “એપ્રિલ 2025માં થયેલા પહેલગામ આતંકવાદી હુમલા બાદ હાથ ધરવામાં આવેલું “ઓપરેશન સિંદૂર” સફળ રહ્યું છે. ઓપરેશન સિંદૂર અટકાવવામાં આવ્યું છે, બંધ કરવામાં આવ્યું નથી. જો આતંકવાદીઓ ફરીથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરશે, તો અમે વધુ મજબૂત જવાબ આપીશું.”
તેમણે ભારપૂર્વક કહ્યું કે “ભારતીય દળોએ આતંકવાદીઓને ધર્મના આધારે નહીં, પરંતુ તેમના કામના આધારે માર્યા હતા.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button