રાજનાથ સિંહનો રાજ્યસભામાં હુંકાર: 'ઑપરેશન સિંદૂર' અને 'મહાદેવ' દ્વારા આતંકવાદ વિરુદ્ધ ભારત કોઈ પણ હદ સુધી જશે | મુંબઈ સમાચાર

રાજનાથ સિંહનો રાજ્યસભામાં હુંકાર: ‘ઑપરેશન સિંદૂર’ અને ‘મહાદેવ’ દ્વારા આતંકવાદ વિરુદ્ધ ભારત કોઈ પણ હદ સુધી જશે

નવી દિલ્હી: છેલ્લા 2 મહિનાથી વિપક્ષ સતત સત્તાપક્ષને પહલગામ આતંકી હુમલો તથા ‘ઑપરેશન સિંદૂર’ ચર્ચાની માંગ કરી રહ્યું હતું. ચોમાસુ સત્રના બીજા અઠવાડિયે સંસદમાં એક તરફ ‘ઑપરેશન સિંદૂર’ અંગે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે બીજી તરફ ભારતીય સેનાએ ‘ઑપરેશન મહાદેવ’ હેઠળ પહલગામ હુમલાના માસ્ટરમાઈન્ડ સહિત ત્રણ આતંકીને ઠાર કરવામાં આવ્યા છે, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું.

આતંકવાદ વિરૂદ્ધ ભારત કોઈ પણ હદ સુધી જશે

આજે કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રાજ્યસભામાં ‘ઑપરેશન સિંદૂર’ અને ‘ઑપરેશન મહાદેવ’ અંગે માહિતી આપી હતી. રાજ્યસભાના ઉપસભાપતિ તથા સભ્યોને સંબોધતા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “પહલગામમાં 26 લોકોની હત્યા કરનાર ધ રેઝિસ્ટેન્ટ ફ્રન્ટના ત્રણ આતંકવાદીને ઠાર કર્યા છે. આ ઑપરેશનનો ઉદ્દેશ્ય આતંકવાદીના ઠેકાણાનો નાશ કરવાનો અને એ સ્પષ્ટ સંદેશ આપવાનો હતો કે, ભારત આતંકવાદને ક્યારેય સહન કરશે નહીં. ઑપરેશન સિંદૂર માત્ર વર્તમાનના સંદર્ભમાં જ નહી પરંતુ ભારતના ભવિષ્યને આકાર આપવામાં પણ તેની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

આતંકવાદને ક્યારેય સહન કરશું નહીં

રાજનાથ સિંહે આગળ જણાવ્યું કે, “ઑપરેશન સિંદૂર હાલ રોક્યું છે, પરંતુ પૂરૂ થયું નથી. જો પાકિસ્તાન ફરી કોઈ દુઃસાહસ કરશે તો ઑપરેશન સિંદૂરને ફરી શરૂ કરવામાં ખચકાઈશું નહીં. ભારત આતંકવાદને ક્યારેય સહન કરશે નહીં, સુરક્ષા દળોને ટાર્ગેટ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારત પોતાની સંપ્રભુતા અને આત્મ-સન્માનની રક્ષા કરવાનું જાણે છે અને આતંકવાદ વિરૂદ્ધ કોઈ પણ હદે જઈ શકે છે, ઓપરેશન સિંદૂરે આ સંદેશ આપ્યો છે. એક દિવસ એવો આવશે કે પાક અધિકૃત કશ્મીરના લોકો ભારતની શાસન પ્રણાલીનો ભાગ હશે.”

આપણ વાંચો:  પહલગામ હુમલાની જવાબદારી કોની, લોકો સરકારના ભરોસે ગયા હતાઃ પ્રિયંકા ગાંધીના સરકારને સવાલ

દેશનું ગૌરવ વધારનારી દિવ્યાને અભિનંદન

રાજ્યસભાનું સત્ર શરૂ થતાની સાથે ઉપસભાપતિ હરિવંશ દ્વારા ફિડે મહિલા શતરંજ વિશ્વ કપ 2025 જીતીને દેશનું ગૌરવ વધારનાર દિવ્યા દેશમુખને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તેમણે નિયમ 267 હેઠળ મળેલી વિપક્ષની 24 નોટિસ અંગે વાત કરી હતી. જે પૈકી કેટલીક નોટિસનો સ્વીકાર નહી કરી શકાય એવું તેમણે જણાવ્યું હતું. જેથી વિપક્ષે હોબાળો શરૂ કર્યો હતો અને ગૃહને 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button