23,000 ફૂટની ઊંચાઈએ નર્સ બન્યો દેવદૂત: વિમાનમાં પ્રવાસીનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાના જેદ્દાહથી ભારતની રાજધાની દિલ્હી તરફ ઉડાન ભરી રહેલા એક વિમાનમાં મુસાફરની તબિયત અચાનક લથડતા ફ્લાઈટમાં અફરાતફરી મચી ગઈ હતી. પાકિસ્તાનની એરસ્પેસ પરથી પસાર થઈ રહેલી ફલાઈટમાં સર્જાયેલી ગંભીર મેડિકલ ઈમરજન્સી વખતે નર્સે દેવદૂત બનીને પ્રવાસીનો જીવ બચાવ્યો હતો, જ્યારે એનો વીડિયો વાયરલ થયા પછી નર્સની પણ લોકોએ પ્રશંસા કરી હતી.
આ ઘટના ફ્લાઈટ નંબર SV 0758માં બની હતી. વિમાન જ્યારે આકાશમાં 23,000 ફૂટની ઊંચાઈ પર હતું, ત્યારે મેવાતના રહેવાસી શહઝાદ અહમદને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. તેની હાલત એટલી બગડી ગઈ હતી કે તેને ગભરામણનો અનુભવ થયો હતો. મુસાફરની આવી પરિસ્થિતિ જોઈને વિમાનના અન્ય મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા, કારણ કે તુરંત હોસ્પિટલ પહોંચવું શક્ય નહોતું.
જેદ્દાહથી દિલ્હી જતી ફ્લાઇટમાં મુસાફરની તબિયત બગડી ગઈ. તે સમયે વિમાન એરસ્પેસ પરથી ઉડી રહ્યું હતું. તે જ ક્ષણે, ઉમરાથી પરત ફરી રહેલા નાગૌરના નર્સ તનવીર ખાને તેમની સારવાર કરી, ત્યારબાદ ફ્લાઇટ સ્ટાફે તનવીરનો આભાર માન્યો. pic.twitter.com/EMDJ4Dmgpr
— Tejas Rajpara (@Tejas6105) December 24, 2025
સદ્નસીબે તે જ ફ્લાઈટમાં રાજસ્થાનના નાગૌરના વતની અને વ્યવસાયે નર્સ એવા તનવીર ખાન પણ મુસાફરી કરી રહ્યો હતો. તનવીર ઉમરાહની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો. ફ્લાઈટના મુસાફરની હાલત ગંભીર જણાવવાની સાથે જ તે મુસાફરની મદદે પહોંચ્યા. તનવીરે જરા પણ વિલંબ કર્યા વગર તબીબી જ્ઞાનનો ઉપયોગ કરી શહેઝાદની પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી.
નર્સ તનવીર ખાનની સમયસરની સારવારને કારણે શહેઝાદ અહમદની હાલતમાં સુધારો થયો અને તેનો જીવ બચી ગયો હતો. આ સાહસિક કાર્ય જોઈને ફ્લાઈટમાં હાજર તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એરલાઇન્સના સ્ટાફે પણ તનવીરની ત્વરિત કાર્યવાહીના વખાણ કર્યા હતા અને તેનો ખાસ આભાર માન્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો તનવીર ખાનની નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરી રહ્યા છે.



