26/11 હુમલા દરમિયાન NSG કમાન્ડો, આજે બન્યો સ્મગ્લર! 200 કિલો ગાંજા સાથે ઝડપાયો…

ચુરુ: રાજસ્થાન પોલીસે કાર્યવાહી હાથ ધરીને બુધવારે મોડી રાત્રે ગાંજાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની ટીમે ચુરુ જિલ્લાના રતનગઢથી 200 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ બજરંગ સિંહ તરીકે થઈ છે.
તપાસમાં પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. પકડાયેલો આરોપી નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નો ભૂતપૂર્વ કમાન્ડો છે, તે 26/11 ના મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓ વિરોધી કાર્યવાહીમાં સામેલ હતો.
રાજસ્થાનની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ(ATS) અને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બજરંગ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ આરોપી બજરંગ સિંહ ગાજાની દાણચોરીના રેકેટનો ‘મુખ્ય સૂત્રધાર’ છે. બજરંગ સિંહ તેલંગાણા અને ઓડિશાથી ગાંજો રાજસ્થાનમાં ઘુસાડતો હતો.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બાતમી મળ્યા બાદ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બજરંગ સિંહ જેવા ઓપરેટિવની ધરપકડ એ આતંકવાદ-નાર્કોટિક્સ સાંઠગાંઠને તોડી પાડવા માટે મહત્વપૂર્ણ સફળતા છે.
NSG કમાન્ડોમાંથી બન્યો સ્મગ્લર:
અહેવાલ મુજબ સીકરના રહેવાસી બજરંગ સિંહે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે, ત્યાર બાદ તે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં જોડાયો હતો. BSFમાં રહેતા તેણે પંજાબ, આસામ, રાજસ્થાન, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સર્વિસ આપી હતી અને ઘુસણખોરો સામે દેશની સરહદોનું રક્ષણ કર્યું હતું.
તે માઓવાદીઓ સામેના અભિયાનોમાં પણ સામેલ થયો હતો.
બાદમાં તે NSGમાં જોડાયો અને સાત વર્ષ સુધી સેવા આપી. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં દરમિયાન તે NSG ટુકડીમાં સામેલ હતો.
જાણકારી મુજબ બજરંગ સિંહને રાજકારણમાં જંપલાવવાની ઈચ્છા હતી, તેણે 2021 માં તેની પત્નીને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું હતું. ધીમે ધીમે તે સ્થાનિક ધોરણે પ્રભાવ વધારતો ગયો. ધીમે ધીમે તે ઓડિશા અને રાજસ્થાનમાં સ્મગ્લર્સ સાથે સંપર્કમાં આવ્યો. 2023 માં 200 કિલો ગાંજાની દાણચોરી કરવા બદલ તેની અગાઉ હૈદરાબાદ નજીક ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ વિરુદ્ધ અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
ATS અને ANTF ટીમો લગભગ બે મહિનાથી બજરંગની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. પોલીસે ટેકનિકલ ઈન્ટેલીજન્સ અને ગ્રાઉન્ડ લેવલના બાતમીદારોથી મળેલી માહિતીને આધારે ચુરુમાંથી તેને દબોચી લીધો હતો.
આ પણ વાંચો…અમદાવાદમાં રૂપિયા 50 લાખ ગાંજા સાથે બે આરોપી ઝડપાયાઃ મુખ્ય સૂત્રધાર ફરાર