‘મહારાજા’, ‘રાજકુમારી’ જેવા ખિતાબોનો ઉપયોગ બંધ કરો; રાજસ્થાન હાઈકોર્ટે પૂર્વ રાજવી પરિવારને ફટકાર લગાવી

જયપુર: ભારતની આઝાદી સમયે રજવાડાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું, આ સાથે રાજા, રાણી, રાજકુમાર, રાજકુમારી જેવી શાહી પદવીઓનો અંત આવ્યો હતો. છતાં પૂર્વ રાજાઓના સંતાનો આવી પદવીઓનો ઉપયોગ કરતા હોય છે. રાજસ્થાન હાઈકોર્ટે આવી પદવીઓના ઉપયોગ સામે સખત વાંધો ઉઠાવ્યો છે.
સ્વર્ગસ્થ જગત સિંહ અને પૃથ્વીરાજ સિંહના કાયદાકીય વારસદારો દ્વારા હાઉસ ટેક્સ ચુકવવા સામે અરજી કરવામાં આવી હતી. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારોએ તેમના નામ પહેલાં ‘મહારાજા’ અને ‘રાજકુમારી’ જેવી પદવીઓનો ઉપયોગ કર્યો હતો, જેની સામે રાજસ્થાન હાઈકોર્ટે વાંધો ઉઠાવ્યો હતો.
અરજદારોને ચેતવણી:
જસ્ટિસ મહેન્દ્ર કુમાર ગોયલની સિંગલ જજે અરજદારોના વકીલને કહ્યું કે આવા ખિતાબનો ઉપયોગ શા માટે થઈ રહ્યો છે? કોર્ટે અરજદારોને આ ખિતાબો દૂર કરવા અને સુધારેલા દસ્તાવેજો દાખલ કરવા આદેશ આપ્યો. કોર્ટે ચેતવણી આપી કે આવું કરવામાં નહીં આવે તો તેમનો કેસ રદ કરવામાં આવશે
આ કેસની વધુ સુનાવણી 13 ઓક્ટોબરેના રોજ કરવામાં આવશે.
જાન્યુઆરી 2022 માં પણ એક અલગ કેસમાં કોર્ટે આવી પદવીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. એ સમયે કોર્ટે આવી પદવીઓનો ઉપયોગ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોનો જવાબ માંગ્યો હતો.
કોર્ટે નોંધ્યું કે બંધારણમાં કલમ 363A દ્વારા ભૂતપૂર્વ રાજવી પરિવારોને મળતી આવી પદવીઓ નાબુદ કરવામાં આવી હતી. કલમ 14 મુજબ ભારતના તમામ નાગરિકને સમાનતાની ખાતરી આપવામાં આવી છે. કોર્ટે ચુકાદો આપ્યો કે કોઈ પણ વ્યક્તિ આવા ખિતાબનો ઉપયોગ કરી શક નહીં.
આ પણ વાંચો…રાજસ્થાનમાં BJP ધારાસભ્ય કંવરલાલ મીણાની સદસ્યતા રદ, કોંગ્રેસે ‘સત્યમેવ જયતે’ ગણાવ્યું…