Rajasthan High Courtનો મોટો આદેશઃ હીટવેવમાં જીવ ગુમાવનારાઓના આશ્રિતોને વળતર આપો
જયપુરઃ રાજસ્થાન હાઇ કોર્ટે (Rajasthan High Court) આજે રાજ્ય સરકારને હીટવેવને કારણે જીવ ગુમાવનારા લોકોના આશ્રિતોને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. હાઇ કોર્ટે પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા પરિવર્તન અંગે સુઓ મોટો લેતા રાજસ્થાનના મુખ્ય સચિવને રાજસ્થાન ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરાયેલ ‘સમર એક્શન પ્લાન’ના અસરકારક અમલીકરણ માટે તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવા હેતુસર વિવિધ વિભાગોની સમિતિઓની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે રાજ્ય સરકારને હીટવેવને કારણે જીવ ગુમાવનારાઓના આશ્રિતોને પૂરતું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ અનુપ કુમારની ખંડપીઠે રાજ્ય સરકારના અધિકારીઓને ભારે ટ્રાફિકવાળા રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવા, ઠંડક માટે જગ્યા ઉપ્લબ્ધ કરાવવા, સિગ્નલ પર છાંયડો ગોઠવવા, હીટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે તમામ આરોગ્ય કેન્દ્રોમાં શક્ય તમામ સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો :રાજસ્થાનમાં બાળલગ્ન થશે તો પંચ-સરપંચ જવાબદાર રહેશે, હાઈકોર્ટે સરકારને આપ્યો મોટો આદેશ
કોર્ટે કહ્યું કે હીટવેવના રૂપમાં આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને લીધે આ મહિને સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને નિર્દેશ કર્યો કે દર વર્ષે રાષ્ટ્રને હીટવેવ, વરસાદ અને કોલ્ડવેવના સ્વરૂપમાં આત્યંતિક હવામાન પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જેમાં ઘણા લોકો મૃત્યુ પામે છે.
ખાસ કરીને ગરીબો પોતાનો જીવ ગુમાવે છે. વિવિધ અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચાર અને ઇલેક્ટ્રિક મીડિયા પર પ્રસારિત થતા સમાચારો દર્શાવે છે કે આ વર્ષના હીટવેવમાં મૃત્યુઆંક હજારોને વટાવી ગયો છે, એમ કોર્ટે કહ્યું હતું.