નેશનલ

રાજસ્થાન સરકારે શહેરી પહાડી વિસ્તારોમાં રિસોર્ટ-ફાર્મહાઉસને મંજૂરી આપી! નવા નિયમોથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ…

જયપુર: અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજસ્થાનમાં સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે, આજે સોમવારે સુપ્રીમ કોર્ટે પોતાના જ આદેશ પર સ્ટે આપ્યો છે. પર્યાવરણ કાર્યકર્તાઓ ચિંતા વ્યકત કરી રહ્યા છે કે અરવલ્લી પર્વતમાળામાં ખનન શરુ થતા ઉત્તર ભારતમાં ગંભીર પર્યાવરણીય જોખમ સર્જાઈ શકે છે.

એવામાં વધુ એક વિવાદાસ્પદ નિણર્ય લીધો છે, સરકારે શહેરી પહાડી વિસ્તારોમાં “લો ડેન્સીટી” પ્રવૃત્તિઓ માટે ઔપચારિક મંજુરી આપી છે.અહેવાલ મુજબ રાજસ્થાન સરકારે મોડેલ રેગ્યુલેશન્સ ફોર કન્ઝર્વેશન ઓફ હિલ્સ ઇન અર્બન એરીયા, 2024 હેઠળ શહેરી પહાડી વિસ્તારોમાં “લો ડેન્સીટી” પ્રવૃત્તિઓ મંજુરી આપી છે.

આ રેગ્યુલેશનને આ વર્ષે એપ્રિલમાં મંજુરી આપવામાં આવી હતી, જેનાથી 2018 ના પહાડી સંરક્ષણ ધોરણોને બદલવામાં આવ્યા હતાં. નવા રેગ્યુલેશન હેઠળ ઢાળના આધારે ટેકરીઓને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. 15 ડિગ્રી (કેટેગરી-C) થી વધુ ઢાળવાળા વિસ્તારોને બિન-વિકાસયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.

કેટેગરી-A અને Bમાં વિકાસ કર્યોને મંજુરી:
8 થી 15 ડિગ્રી (કેટેગરી-B) ઢાળવાળી ટેકરીઓને ફાર્મહાઉસ, રિસોર્ટ, મનોરંજન પાર્ક, વેલનેસ અને યોગ સેન્ટર્સ, કેમ્પિંગ સાઇટ્સ અને સોલાર એનર્જી પ્રોજેક્ટ્સ માટે મંજુર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા સંરક્ષણ-અનુકુળ જાહેર કરવામાં આવેલા કેટેગરી-B હેઠળ શહેરી વિસ્તારોમાં આવેલા અરવલ્લીની ટેકરીઓનો પણ સમાવેશ થાય છે.

8 ડિગ્રીથી ઓછા ઢાળવાળી ટેકરીઓને કેટગરી-A હેઠળ રાખવામાં આવી છે, જ્યાં શહેરી આયોજનની માફક વિકાસ કર્યોને મંજરી આપવામાં આવી છે. કેટગરી-A હેઠળના ઝોનમાં પબ્લિક યુટિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની મંજૂરી આપવામાં આવી છે. કેટેગરી A અને B, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (FSI) ના 3-ડિગ્રી ઢાળ સૂત્રની વિરુદ્ધ છે.

રાજ્ય સરકાર દાવો કરી રહી છે, નવા નિયમો વિકાસ સાથે પર્વતમાળાનું સંરક્ષણ પણ કરશે, પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેટેગરી B ટેકરીઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ થતાં અવાલ્લીના ધોવાણનું જોખમ વધશે.

આ પણ વાંચો…અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનું શિર્ષાસન, પોતાના જ આદેશ પર સ્ટે આપ્યો, કેન્દ્ર પાસે ખનન મુદ્દે સ્પષ્ટતાઓ માંગી

રિસોર્ટ- ફાર્મહાઉસને મંજૂરી:
2024 ના નિયમો હેઠળ, કેટેગરી-B માં, બે હેક્ટરના વિસ્તારમાં 20 ટકા સુધીના ગ્રાઉન્ડ કવરેજ સાથે રિસોર્ટ્સ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ધાર્મિક, આધ્યાત્મિક અને વેલનેસ સેન્ટરને એક હેક્ટર જેટલા નાના પ્લોટ પર મંજૂરી આપવામાં આવી છે. ઊંચાઈના નિયંત્રણોને આધીન, ઓછામાં ઓછા 5,000 ચોરસ મીટરના વિસ્તારમાં 500 ચોરસ મીટર સુધીના ગ્રાઉન્ડ કવરેજ સાથે ફાર્મહાઉસને મંજૂરી આપવામાં આવી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button