નેશનલ

પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ રાજસ્થાનમાંથી સરકારી કર્મચારી પકડાયો, ગતિવિધિઓ શંકાસ્પદ

જયપુર: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાનના જાસુસી નેટવર્કને તોડી પાડવા માટે વધુ સક્રિયતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન હાઈ કમિશનના ભૂતપૂર્વ કર્મચારી દાનિશ અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની જાસૂસી મામલે ધપકડ કરવામાં આવી છે, આ ઉપરાંત CRPF ના એક જવાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. એવામાં રાજસ્થાનમાંથી રાજ્ય સરકારના કર્મચારીને જાસૂસીના આરોપસર અટકાયત(Spying for Pakistan)માં લેવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

અહેવાલ મુજબ બુધવારે રાત્રે રાજસ્થાનના જેસલમેર(Jaisalmer)માંથી શકુર ખાન(Shakur Khan)ની ધપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર તેને અટકાયતમાં લેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ શકુર ખાન અગાઉ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર દરમિયાન ભૂતપૂર્વ પ્રધાન શાલે મોહમ્મદના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. શાલે મોહમ્મદ અને શકુર ખાન બંને એક જ ગામના રહેવાસી છે.

ફોનમાં પાકિસ્તાનના નંબર મળ્યા:

અટકાયત બાદ શકુર ખાનની પહેલા જેસલમેરમાં પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદમાં, ઈન્ટેલીજન્સની ટીમ પુછપરછ માટે તેને લઇને જયપુર જવા રવાના થઈ હતી. પૂછપરછ દરમિયાન, શકુર ખાનના ફોનમાં પાકિસ્તાન સાથે જોડાયેલા નંબરો મળી આવ્યા હતાં. તેણે ભૂતકાળમાં 6-7 વખત ઇસ્લામાબાદની મુલાકાત લીધી હોવાનું પણ સ્વીકાર્યું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી શકુર ખાનના મોબાઇલ ફોન પર લશ્કર સંબંધિત કે અન્ય કોઈ પણ સંવેદનશીલ માહિતી મળી નથી. જોકે, એવું જાણવા મળ્યું છે કે શકુર ખાને કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી હતી. ગુપ્તચર એજન્સીઓ શકુર ખાનના ફાઇનાન્સિયલ રેકોર્ડની પણ તપાસ કરી રહી છે.

અહેવાલ મુજબ, સેન્ટ્રલ એજન્સીઓ આજે ગુરુવારે જયપુરમાં તેની વધુ પૂછપરછ કરશે.

આ પણ વાંચો….‘અમારા સમાજને બચાવો!’ પાકિસ્તાની નેતાની વડાપ્રધાન મોદીને અપીલ, જાણો કોણ છે આ નેતા?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button