નેશનલ

રાજસ્થાનના ભીલવાડામાં પૌત્રોએ કરી દાદાની હત્યા, આંખોમાં મરચું નાખી કુહાડીના ઘા માર્યા

ભીલવાડાઃ રાજસ્થાન પર અત્યારે કાળ સવાર થયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ગઈકાલે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં 15થી પણ વધારે લોકોના મોત થયાં હતાં. આજે પણ જયપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો જેમાં એક બેકાબૂ ટ્રકે અનેક લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી 10 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે.

આ દરમિયાન રાજસ્થાનમાં ભીલવાડા જિલ્લામાં ક્રૂર હત્યાનો એક મામલો સામે આવ્યો છે. જેમાં કરેડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિતંબા નાગા કા બડિયા ગામમાં આ હત્યાની ઘટના ઘટી છે.

આપણ વાચો: આત્મહત્યાની ઘટનાઓ સતત વધી! કચ્છમાં આપઘાત અને અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત

ત્રણેય પૌત્રોએ કુહાડીના ઘા મારી દાદાની હત્યા કરી

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, ચિતંબા નાગા કા બડિયા ગામમાં ત્રણ પૌત્રોએ દાદાની હત્યા કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય પૌત્રોએ કુહાડી વડે દાદાની હત્યા કરી હતી.

આ મામલે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે, નાગા કા બડિયાના રહેવાસી પ્રેમના પિતા મોહનલાલ બાગરિયાએ આ મામલે પોલીસને જાણ કરી હતી.

આપણ વાચો: કચ્છમાં બે કરુણ ઘટના: મુંદરામાં 25 ફૂટની ઊંચાઈએથી પટકાતાં પરપ્રાંતીય શ્રમજીવીનું મોત, ભચાઉમાં યુવકની આત્મહત્યા

પહેલા પિતા પ્રેમ બાગરિયા સાથે મારામારી કરી હતી

આરોપીઓના પિતા અને દાદા રવિવારે રાત્રે ભોજન કરી રહ્યાં હતા, ત્યારે શ્રવણ બાગરિયા, હીરૂ બાગરિયા અને શારદા બાગરિયા આ ત્રણેય પૌત્ર સાથે કુહાડી, લાકડી અને મરચું લઈને આવ્યાં હતાં. આ દરમિયાન આ લોકોએ પહેલા પિતા પ્રેમ બાગરિયા સાથે મારામારી કરી હતી. જેમાં પ્રેમ બેભાન થઈને નીચે પડી ગયાં હતાં.

આ દરમિયાન વચ્ચે આવેલા પ્રેમના પિતા મોહનલાલ બાગરિયા સાથે પણ આ લોકોએ મારામારી કરી હતી. પહેલા તેમની આંખોમાં મરચું નાખવામાં આવ્યું અને બાદમાં મારપીટ કરી અને કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. હજી સુધી તે લોકોની કોઈ ભાળ મળી નથી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button