હિમાચલમાં વરસાદનો પ્રકોપ: 383 રસ્તા બ્લોક, મૃત્યુઆંક 173 પર પહોંચ્યો
રાજ્યમાં સૌથી વધુ મોત ભૂસ્ખલન અને રોડ અકસ્માતને કારણે થયા

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે સંકટ યથાવત છે. જેના કારણે ૩૮૩ રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. ૭૪૭થી વધુ પાવર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર કામ કરી રહ્યા નથી તેમ જ ૨૪૯ પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઇ ગઇ છે, એમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર(એસઇઓસી)એ જણાવ્યું હતું.
સતત વરસાદને કારણે બચાવ કામગીરીમાં વિલંબ
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ-ચંબા, કુલ્લુ, મંડી અને ઉનામાં મોટા પાયે ભૂસ્ખલન અને અચાનક પૂર આવ્યા છે. ઘણા આંતરિક માર્ગો હજુ પણ દુર્ગમ છે. જેના કારણે સમારકામ અને બચાવ કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે.
આપણ વાંચો: હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું, ત્રણ લોકોના મોત…
અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને ૧૭૩ થયો
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ(એસડીએમએ)ના જણાવ્યા અનુસાર ચોમાસની શરૂઆતથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને ૧૭૩ થયો છે. જેમાં ૯૫ મોત ભૂસ્ખલન, અચાનક પૂર અને ઘરો ધરાશાયી થવાના કારણે થયા હતા. જ્યારે ૭૮ મોત માર્ગ અકસ્માતને કારણે થયા હતા.
ઘણા બધા ડેમ હાઇ એલર્ટ પર
એનએચ-૩૦૫, એનએચ-૫૦૫, એનએચ-૨૧ અને એનએચ-૦૩ સહિત મુખ્ય પર્વતીય ધોરીમાર્ગ ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઇ ગયા છે. લાહૌલ-સ્પિતિમાં એનએચ-૫૦૫ છતરુ નજીક બંધ કરવામાં આવ્યો છે, જ્યારે કુલ્લુમાં એનએચ-૩૦૫ ઝેડ(ખાનાગ) પર બંધ છે.
કુલ્લુની પાર્વતી ખીણમાં મલાના-વન હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો કોફરડેમ શુક્રવારે કાટમાળથી ભરેલા ડ્રેનેજ પાઇપો બંધ થઇ ગયા બાદ તૂટી પડ્યો હતો. આ દરમિયાન ઘણા બંધો હાઇ એલર્ટ પર છે.
આપણ વાંચો: હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવ, ભાર વરસાદથી 1000 કરોડનું નુકસાન
૨૨૨ મીમીથી વધુ વરસાદથી ઉના જિલ્લો જળમગ્ન
ઉના જિલ્લામાં રાતભર વરસેલા ૨૨૨ મીમીથી વધુ વરસાદને કારણે રસ્તાઓ, ઘરો અને બજારો જળમગ્ન બન્યા હતા. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને રહેવાસીઓને ઉફાણ પર આવેલી નદીઓથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
રાહત કાર્ય ચાલુ છે. રાજ્ય અને જિલ્લા ટીમો કાટમાળ સાફ કરવાનું, રસ્તાઓ ખોલવાનું અને ફસાયેલા ગ્રામજનોનું સ્થાનાંતર કરવાનું કામ કરી રહી છે.