
નવી દિલ્હી: ગુજરાત સહિત દેશભરમાં વરસાદ મન મૂકી વરસી રહ્યો છે. દરેક રાજ્યમાં હળવાથી અતિભારે વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે કેટલાક રાજ્યમાં વરસાદનો કહેર પણ વર્તાય રહ્યો છે. ભારે વરસાદે પગલે જળબંબાકાર, ટ્રાફિક જામ, ભૂસ્ખલન અને પૂર જેવી સમસ્યાઓ ઊભી કરી છે. ખાસ કરીને દિલ્હી-એનસીઆરની હાલત કફોડી બની છે, જ્યાં થોડા કલાકના વરસાદે શહેરને જળમગ્ન કરી દીધુ હતું. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે.
દિલ્હી-એનસીઆરમાં બુધવારે સાંજે ભારે વરસાદે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. આરટીઆર રોડ અને એનએચ-48 પર ટ્રાફિક જામ સર્જાયો હતો. દિલ્હી ટ્રાફિક પોલીસે ઝખીરા અંડરપાસ અને રોડ નંબર 40 પર જળબંબાકારને કારણે ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. આ ઉપરાંત સૂત્રોની જાણકારી પ્રમાણે ભારે વરસાદના કારણે કેટલી ફ્લાઈટો પણ પ્રભાવિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીના નજફગઢમાં 60 મિમી, આયા નગરમાં 50.5 મિમી અને પ્રગતિ મેદાનમાં 37 મિમી વરસાદ નોંધાયો. જ્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
એનસીઆરના નોઈડા અને ગુડગાંવમાં પણ સ્થિતિ ગંભીર રહી. ગુડગાંવના એમજી રોડ, સોહના રોડ અને આઈએફએફસીઓ ચોકમાં ટ્રાફિક ધીમું પડ્યું, જ્યારે સુભાષ ચોકમાં એક એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઈ ગઈ. નોઈડાના સેક્ટર-62, ડીએનડી અને સેક્ટર-18માં જળબંબાકારથી લોકોને હાલાકી થઈ. મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં ભારે વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું, જેનાથી રસ્તાઓ પર વાહનો વહેતા જોવા મળ્યા.
ઉત્તરાખંડના ચમોલી અને બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલનને કારણે યાત્રીઓને સુરક્ષિત સ્થળોએ રોકવામાં આવ્યા. હિમાચલ પ્રદેશમાં 174 રસ્તાઓ બંધ થયા, અને 31 ફ્લેશ ફ્લડ, 22 ક્લાઉડબર્સ્ટ અને 17 ભૂસ્ખલનની ઘટનાઓમાં 85 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. જ્યારે આસામમાં પૂરના કારણે 30 લોકોના જીવ લીધા, અને 29,000થી વધુ લોકો પ્રભાવિત થયા. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં 25 ગામોનો સંપર્ક તૂટી ગયો, બીજી બાજુ રાજસ્થાનના જેસલમેરમાં ચાર બાળકોનું મોત થયું.
આ પણ વાંચો…હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: 7 જિલ્લામાં પૂરનો ખતરો, 225 રસ્તાઓ બંધ