હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: 7 જિલ્લામાં પૂરનો ખતરો, 225 રસ્તાઓ બંધ

શિમલાઃ હિમાચલ પ્રદેશના અનેક હિસ્સાઓમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી, સ્થાનિક હવામાન વિભાગે મંગળવારે આગામી 24 કલાકમાં સાત જિલ્લાઓના કેટલાક ભાગોમાં અચાનક પૂરની ચેતવણી આપી હતી.
આ જિલ્લાઓમાં ચંબા, કાંગડા, મંડી, કુલ્લુ, શિમલા, સોલન અને સિરમૌરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે ‘યલો’ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી સોમવાર સુધી અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ધ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઈઓસી)ના જણાવ્યા અનુસાર, સૌથી વધુ અસરગ્રસ્ત મંડી જિલ્લામાં 153 રસ્તાઓ સહિત કુલ 225 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે રાજ્યમાં 163 ટ્રાન્સફોર્મર અને 174 પાણી પુરવઠા યોજનાઓને અસર થઈ છે. હિમાચલ પ્રદેશમાં 1 જૂનથી 8 જુલાઈ સુધીમાં 203.2 મિલીમીટર (મીમી) વરસાદ વરસ્યો છે જ્યારે આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 152.6 મિલીમીટર વરસાદ પડે છે.
આપણ વાંચો: ચાલુ સિઝનમાં ગુજરાતમાં ૧૫ તાલુકામાં ૮૦ ઇંચ સુધી વરસાદઃ દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન
મંડી જિલ્લામાં 110 ટકા વધુ વરસાદ નોંધાયો છે. શિમલા ખાતે 89 ટકા અને ઉના ખાતે 86 ટકા વરસાદ નોંધાયો છે. 20 જૂને હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત થઇ હતી. સોમવાર સાંજથી રાજ્યના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગોહરમાં 85 મીમી, સરાહનમાં 84.5 મીમી, બૈજનાથમાં 60 મીમી, નાહનમાં 54.2 મીમી, પાવંટા સાહિબમાં 48 મીમી, નૈના દેવીમાં 46.2 મીમી, કસૌલીમાં 37 મીમી, જોગિન્દરનગરમાં 28 મીમી, પાલમપુરમાં 27.2 મીમી અને શિમલામાં 19 મીમી વરસાદ નોંધાયો છે.
આપણ વાંચો: ગુજરાતમાં ઘટ્યું વરસાદનું જોર, 24 કલાકમાં 153 તાલુકામાં છૂટાછવાયા ઝાપટા
અધિકારીઓએ જણાવ્યું હતું કે 20 જૂને ચોમાસાની શરૂઆતથી હિમાચલ પ્રદેશમાં અચાનક પૂરની 23 ઘટનાઓ, વાદળ ફાટવાની 19 ઘટનાઓ અને ભૂસ્ખલનની 16 ઘટનાઓ બની છે અને રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત થયા છે.
મંડી જિલ્લામાં ગુમ થયેલા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે થુનાગ, ગોહર અને કરસોગ સબડિવિઝનમાં 28 લોકો ગુમ થયા હતા. તેમને શોધવા માટે ડ્રોન અને સ્નિફર ડોગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સત્તાવાર આંકડા મુજબ, 20 જૂનથી હિમાચલ પ્રદેશમાં 80 લોકોના મોત નોંધાયા છે.
મૃત્યુ પામેલા 80 લોકોમાંથી 52 લોકો વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલન જેવી વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીના 28 લોકોના મોત માર્ગ અકસ્માતોથી સંબંધિત હતા. અત્યાર સુધી વરસાદને કારણે અંદાજિત 692 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.