અકસ્માતોને લઈ રેલવે પ્રધાનનું દર્દ છલકાયું, કહ્યું રેલવે તો દેશની લાઈફલાઈન…

નવી દિલ્હીઃ રેલવે દુર્ઘટનાઓ પર રાજકીય ટીકાઓનો સામનો કરી રહેલા રેલવે પ્રધાને અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારતીય રેલવેને રાજકીય આક્ષેપબાજીનો વિષય બનાવવો જોઇએ નહી કારણ કે આ દેશની લાઇફલાઇન છે. રાજકીય આક્ષેપોનો વિષય ન બનવું જોઈએ, કારણ કે તે દેશની જીવનરેખા છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેટલીક ઘટનાઓમાં કેટલાક પરેશાન કરનારી બાબતો સામે આવી છે અને રેલવે દરેક ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે. તેઓ રેલવે ટ્રેક પર પથ્થરો અને લાકડાના મોટા ટૂકડાઓ મુકવાના કારણે ટ્રેનોના પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ અંગેના પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા.
મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે રેલવે અને સંરક્ષણ એવી સંસ્થાઓ છે જે રાજકારણથી ઉપર હોવી જોઈએ. હું નથી માનતો કે રેલવે રાજકીય આક્ષેપબાજીનો વિષય હોવો જોઈએ. વૈષ્ણવે કહ્યું કે રેલવે એ દેશની લાઈફલાઈન છે અને જો કંઈ પણ નકારાત્મક થાય છે તો ટ્રેનો ખૂબ જ કાર્યક્ષમ રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ.
એક અલગ સવાલના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં રેલવેએ હાલના નેટવર્કમાં 5,300 કિલોમીટરની રેલ્વે લાઇનનો વધારો કર્યો છે. દસ વર્ષ પહેલાં રેલવેમાં નિર્માણની સરેરાશ ગતિ દરરોજ ચાર કિમી હતી. આજે તે 14.5 કિમી પ્રતિ દિવસ છે. તમામ મંજૂર કરાયેલા રેલવે પ્રોજેક્ટ્સ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચો: કવચ સુરક્ષા મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે
રેલવેમાં ભરતી અંગે મંત્રીએ કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરમાં ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી કેલેન્ડર તૈયાર કર્યું છે. પ્રથમ ક્વાર્ટર જાન્યુઆરીથી માર્ચ લોકો પાયલટ્સની ભરતી માટે નક્કી કરવામાં આવ્યું છે, બીજા ક્વાર્ટરમાં ટેકનિશિયન અને જૂનિયર એન્જિનિયરોની ભરતી કરાશે. ત્રીજા ક્વાર્ટરમાં બિન ટેકનિકલ સ્ટારની ભરતી કરાશે. જ્યારે ચોથા ક્વાર્ટરમાં ટેકનિકલ સ્ટાફ અને લેવલ-1 અધિકારીઓની ભરતી કરાશે.
વૈષ્ણવે જણાવ્યું હતું કે રોજગારની વાર્ષિક યોજના તૈયાર કરવામાં આવી છે અને વર્તમાન ભરતી ચક્ર માટે 45,000 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે છેલ્લી ભરતીમાં 1.54 લાખ લોકોને રેલવેમાં નોકરી આપવામાં આવી હતી.