બિહારની રેલીમાં રાહુલ ગાંધીએ PM મોદી વિશે આપ્યું વિવાદિત નિવેદન, BJPએ કરી કાર્યવાહીની માંગ

પટના: કૉંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ અને વર્તમાન લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતાના નિવેદનોને લઈને અવારનવાર ચર્ચાનું અને ટીકાનું કારણ બનતા રહે છે. એક તરફ બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. એવામાં બીજી તરફ રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત નિવેદન આપીને બેઠા છે. જેને લઈને BJPએ તેમને આડેહાથ લીધા છે અને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. આવો જાણીએ, સમગ્ર મામલો શું છે.
શું છે રાહુલ ગાંધીનું નિવેદન?
રાહુલ ગાંધીએ 29 ઓક્ટોબર, 2025ના રોજ મુઝફ્ફરપુર અને દરભંગામાં યોજાયેલી તેમની ચૂંટણી રેલીઓ દરમિયાન વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “તેઓ(વડા પ્રધાન નરેન્દ્ર મોદી) ફક્ત તમારો મત મેળવવા ઈચ્છે છે. મત આપવા માટે જો તમે તેમને નાટક કરવાનું કહેશો, તો તેઓ એ પણ કરશે. તમે એમની પાસે કઈ પણ કરાવી શકો છો. જો તમે નરેન્દ્ર મોદીને નાચવાનું કહેશો, તો તેઓ નાચશે.”
આપણ વાંચો: ફાલટન કેસમાં રાહુલ ગાંધીનો ગંભીર આરોપ
આ સિવાય રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બિહારમાં વોટ ચોરીના પ્રયાસો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, BJPને રાહુલ ગાંધીની ટિપ્પણી અપમાનજનક, અભદ્ર અને વ્યક્તિગત લાગી છે. જેને લઈને BJPએ બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ને ફરિયાદ નોંધાવી છે.
BJPની ફરિયાદના મુખ્ય મુદ્દા
BJP એ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે રાહુલ ગાંધીની ટિપ્પણીઓ અત્યંત અપમાનજનક, અભદ્ર અને વ્યક્તિગત છે, જે લોકશાહી પ્રવચનની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. આ નિવેદન વડા પ્રધાનના વ્યક્તિગત ચારિત્ર્ય અને ગૌરવ પર સીધો હુમલો છે અને તેનો જાહેર નીતિ સાથે કોઈ સંબંધ નથી. આ ટિપ્પણી વડા પ્રધાન કાર્યાલય અને ભારતના સર્વોચ્ચ બંધારણીય કાર્યાલયની ગરિમાનું અપમાન કરે છે.
BJP એ દાવો કર્યો કે આ નિવેદન આદર્શ આચારસંહિતા (MCC)નું તેમજ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 123(4) હેઠળ ભ્રષ્ટ આચરણનું ઉલ્લંઘન છે. BJPએ ચૂંટણી પંચને રાહુલ ગાંધી વિરુદ્ધ તાત્કાલિક અને ઉદાહરણરૂપ પગલાં લેવા માટે વિનંતી કરી છે. રાહુલ ગાંધીને કારણદર્શક નોટિસ જાહેર કરીને બિનશરતી જાહેર માફી મંગાવવાની તથા ચોક્કસ સમયગાળા માટે પ્રચાર કરવાથી પ્રતિબંધિત કરવાની BJPએ માંગ કરી છે.



