થિરુવનંથપુરમઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારથી તેમના મતવિસ્તારના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. અહીં તેઓ વાયનાડ, મલપ્પુરમ અને કોઝિકોડના ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલા તેમના મતવિસ્તારમાં કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. જોકે, તેમના મતદાર ક્ષેત્ર વાયનાડના આવતા નીલાંબુરમાં તેમનો ફિયાસ્કો થયો હતો.
નીલાંબુરમાં એક નવી સડક બનાવવામાં આવી હતી. આ સડકનું ઉદ્ઘાટન આજે રાહુલ ગાંધી કરવાના હતા, પણ મંગળવારે સાંજે જ સ્થાનિક ડાબેરી સ્વતંત્ર વિધાનસભ્ય પી. વી. અનવરે આ સડકનું ઉદ્ઘાટન કરી નાખ્યું હતું. પી.વી. અનવર મલપ્પુરમ જિલ્લાના નીલામ્બુર વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
સ્થાનિક કૉંગ્રેસી નેતાએ દાવો કર્યો હતો કે આ સડકનું નિર્માણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય) અતર્ગત કરવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન રાહુલ ગાંધીના હાથે થવાનું નિર્ધારીત હતું. કેન્દ્ર સરકારના સરક્યુલરમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, પી.વી. અનવરે જણાવ્યું હતું કે આ સડકને તેમના અનેક વિનંતીઓ બાદ મંજૂરી આપવામાં આવી હતી અને આ રાજ્ય અને કેન્દ્ર સરકારનું સંયુક્ત ઉપક્રમ હતો. અહીંના કૉંગ્રેસી નેતાઓએ રાહુલ ગાંધીને ઉદ્ઘાટન અંગે ખોટી માહિતી આપી હતી, તેથી આવી ગરબડ થઇ.
આ બાબતે બોલતા, મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે કોઈપણ પ્રોજેક્ટ જે રાજ્યના ભંડોળ અથવા રાજ્ય અને કેન્દ્રના સંયુક્ત ભંડોળનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, તે વિશે રાજ્ય સરકાર નિર્ણય લે છે. વિજયને આડકતરી રીતે સંમત થતા કહ્યું હતું કે અનવરે જે કર્યું તે યોગ્ય હતું. હું આ વિશિષ્ટ પ્રોજેક્ટ વિશે જાણતો નથી અને PMLADS ફંડનો ઉપયોગ કરીને એક પ્રોજેક્ટ સિવાય, અન્ય તમામ કાર્યક્રમો રાજ્ય દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવે છે.
હવે નીલાંબુરમાં નવી સડકનું ઉદ્ઘાટન થઇ જતા રાહુલ ગાંધીનો ફિયાસ્કો થઇ ગયો હતો. જોકે, તેમણે તેમણે વાયનાડ, મલપ્પુરમ અને કોઝિકોડના ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલા તેમના મતવિસ્તારમાં અન્ય કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરીને સંતોષ માન્યો હતો.