
પટના: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અગાઉની ચૂંટણીઓમાં થયેલી કથિત ‘વોટ ચોરી’ અને હાલ બિહારમાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો મુદ્દો જોરશોરથી ઉપાડી રહ્યા છે.
તાજેતરમાં તેમણે કાગળ પર મૃત જાહેર કરાયેલા મતદારો સાથે ‘ચાય પે ચર્ચા’ યોજી હતી, હવે તેઓ ‘ભારત જોડો યાત્રા’ની માફક બિહારમાં ‘મતદાર અધિકાર યાત્રા’ (Voter Adhikar Yatra) શરૂ કરી રહ્યા છે. બિહારમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી(Bihar Assembly election)ને ધ્યાનમાં રાખીને તેમની આ યાત્રા ખુબ જ મહત્વની સાબિત થઇ શકે છે.
‘મતદાર અધિકાર યાત્રા’ આજે યાત્રા શેરશાહ સૂરીના સ્મારક સાસારામથી થઇ છે અને આ યાત્રા 1લી સપ્ટેમ્બર 2025ના રોજ પટનાના ગાંધી મેદાન ખાતે સમાપ્ત થશે.
વિપક્ષ થશે એકજુટ?
બિહારમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયાના વિરોધમાં કાઢવામાં આવી રહેલી રાહુલ ગાંધીની ‘મતદાર અધિકાર યાત્રા’ 23 જિલ્લાઓમાંથી પસાર થશે. આ યાત્રા 50 વિધાનસભા મતવિસ્તાર અને ઘણા લોકસભા મતવિસ્તારોને આવરી લેશે. આજથી શરુ થયેલી આ યાત્રા 16 દિવસ સુધી ચાલશે.
આ યાત્રા દરમિયાન વિપક્ષના ઘણાં નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ પણ જોડાશે. આ યાત્રાને RJD, CPI, મુકેશ સાહનીની પાર્ટી અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ ટેકો આપ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આ આ યાત્રાને ઇન્ડિયા અલાયન્સનું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે.
સાસારામની પસંદગી શા માટે?
આ યાત્રાની શરૂઆત માટે સાસારામને ખાસ કરીને પસંદ કરવામાં આવ્યું છે, કારણ કે આ સ્થળને “શેરશાહની ભૂમિ” કહેવામાં આવે છે અને મૌર્ય સામ્રાજ્યના વારસા સાથે જોડવામાં આવે છે, આ આ સ્થળ બિહારના લોકો માટે ઐતિહાસિક અને સંસ્કૃતિક રીતે મહત્વનું સ્થળ છે. ગત લોકસભા ચૂંટણીમાં સાસારામથી ઈન્ડિયા એલાયન્સે મજબુત દર્શન કર્યું હતું.
યાત્રા રાહુલ ગાંધીને ફળશે?
રાહુલ ગાંધીને વર્ષ 2022-23 દરમિયાન કન્યાકુમારીથી માંડીને કાશ્મીર સુધી પગપાળા ભારત જોડો યાત્રા કરી હતી. કેટલાક અહેવાલો દર્શાવે છે કે યાત્રા જે વિસ્તારો માંથી પસાર થઇ એ વિસ્તારોમાં લોકસભા ચૂંટણી 2024 દરમિયાન કોંગ્રેસના વોટ શેરમાં વધારો નોંધાયો હતો, હવે આ બિહાર વિધાનસભા ચુંટણી પહેલા કાઢવામાં આવી રહેલી મતદાર અધિકાર યાત્રા રાહુલ ગાંધી અને કોંગ્રેસને કેટલી ફળે છે એ જોવું રહ્યું.
યાત્રાનું શેડ્યુલ:
તારીખ | જીલ્લો |
17 ઓગસ્ટ | રોહતાસ (સાસારામ) |
18 ઓગસ્ટ | ઔરંગાબાદ, ગયા |
19 ઓગસ્ટ | નવાદા, નાલંદા, શેખપુરા |
21 ઓગસ્ટ | લખીસરાય, મુંગેર |
22 ઓગસ્ટ | ભાગલપુર |
23 ઓગસ્ટ | કટિહાર |
24 ઓગસ્ટ | પૂર્ણિયા, અરરિયા |
26 ઓગસ્ટ | સુપૌલ, મધુબની |
27 ઓગસ્ટ | દરભંગા, મુઝફ્ફરપુર |
28 ઓગસ્ટ | સીતામઢી, પૂર્વ ચંપારણ |
29 ઓગસ્ટ | પશ્ચિમ ચંપારણ (બેટિયા), ગોપાલગંજ, સિવાન |
30 ઓગસ્ટ | સારણ (છાપરા), આરા |
1 સપ્ટેમ્બર | પટના (ગાંધી મેદાન ખાતે સમાપન રેલી) |
આ પણ વાંચો…શશિ થરૂરે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના નામે રાહુલ ગાંધીને આપ્યો આવો સંદેશ? જુઓ વીડિયો