ટ્રમ્પના નિવેદન પર રાજકીય ગરમાવો: રાહુલ ગાંધીએ પૂછ્યું, "5 જહાજોનું સત્ય શું છે?"; જાણો ભાજપનો જવાબ | મુંબઈ સમાચાર
નેશનલ

ટ્રમ્પના નિવેદન પર રાજકીય ગરમાવો: રાહુલ ગાંધીએ પૂછ્યું, “5 જહાજોનું સત્ય શું છે?”; જાણો ભાજપનો જવાબ

નવી દિલ્હી: ‘ઑપરેશન સિંદૂર’ સ્થગિત થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. હવે ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાનના યુદ્ધ અંગે વાત કરીને નવો ચર્ચાનો મુદ્દો ઊભો કર્યો છે. ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાનના સંઘર્ષ દરમિયાન પાંચ ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા. ટ્રમ્પના આ નિવેદનને લઈને હવે કૉંગ્રેસે સત્તાપક્ષ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

5 ફાઈટર જેટનું સત્ય શું છે? : રાહુલ ગાંધી

તાજેતરમાં મીડિયાને સંબોધતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષ દરમિયાન પાંચ ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા.” ડૉનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનને લઈને હવે વિપક્ષે સત્તાપક્ષને ઘેરવાની તૈયારી કરી છે.

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ડૉનાલ્ડ ટ્રમ્પના નિવેદનનો વીડિયો એક્સ પર શેર કરીને લખ્યું કે, “મોદી જી, 5 જહાજોનું સત્ય શું છે? દેશને જાણવાનો હક છે!”

આ પણ વાંચો: રાહુલ ગાંધીનો ‘મેક ઇન ઇન્ડિયા’ પર પ્રહાર: “નામ બદલીને ‘એસેમ્બલ ઇન્ડિયા’ કરો, કારણ કે 80% પાર્ટ્સ…..

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ એક્સ પર પોસ્ટ કરીને ડૉનાલ્ડ ટ્રમ્પના ભારત-પાકિસ્તાનના યુદ્ધને લઈને કરેલા દાવાઓનો ઉલ્લેખ કરતા લખ્યું કે, “ફરી એકવાર ટ્રમ્પ મિસાઈલ છૂટી છે. આ વખતે નવો સનસનાટીભર્યો ઉમેરો થયો છે કે, કદાચ પાંચ જેટ તોડી પાડવામાં આવ્યા હતા.’હાઉડી મોદી’ (સપ્ટેમ્બર 2019) અને ‘નમસ્તે ટ્રમ્પ’ (ફેબ્રુઆરી 2020) જેવા કાર્યક્રમો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વર્ષોથી મિત્રતા અને ‘જપ્પી કૂટનીતિ’ જાળવી રાખનારા વડા પ્રધાને હવે સંસદમાં ઉભા થઈને છેલ્લા 70 દિવસથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવાઓનું સ્પષ્ટ અને સચોટ સ્પષ્ટિકરણ આપવું પડશે.”

ભાજપએ કર્યા રાહુલ ગાંધી પર પ્રહાર

રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કરેલા પ્રશ્નને લઈને ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ એક્સ પર લખ્યું હતું કે, રાહુલ ગાંધીની માનસિકતા દેશદ્રોહી જેવી છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં ન તો ભારતનું નામ લીધું, ન તો એવું કહ્યું કે, તે પાંચ ફાઇટર જેટ ભારતના છે. તો પછી કોંગ્રેસના યુવરાજે તેને ભારતના કેમ માની લીધા? તેમણે તેને પાકિસ્તાનના કેમ ન માન્યા? શું તેમને પોતાના દેશ કરતાં પાકિસ્તાન પ્રત્યે વધારે સહાનુભૂતિ છે? સત્ય એ છે કે પાકિસ્તાન હજુ ઓપરેશન સિંદૂરના હુમલાના આઘાતમાંથી બહાર આવ્યું નથી. પરંતુ રાહુલ ગાંધીને દુઃખ થઈ રહ્યું છે!”

આ પણ વાંચો: ‘મારા જીજાજીને હેરાન કરવામાં આવી રહ્યા છે’ EDની કર્યવાહી સામે રાહુલ ગાંધીએ વાડ્રાનું સમર્થન કર્યું

અમિત માલવિયાએ આગળ લખ્યું કે, “જ્યારે પણ દેશની સેના દુશ્મનને પાઠ ભણાવે છે, ત્યારે કોંગ્રેસને મરચાં લાગી જાય છે. ભારતનો વિરોધ હવે કૉંગ્રેસની ટેવ જ નથી રહીં, પરંતુ તે તેની ઓળખ બની ગઈ છે. રાહુલ ગાંધીએ એ કહેવું જોઈએ કે, શું તે ભારતીય છે કે પાકિસ્તાનના પ્રવક્તા?”

ઉલ્લેખનીય છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં ભારત કે પાકિસ્તાન એવા કોઈ દેશનું નામ લીધું નથી. તેથી તોડી પાડવામાં આવેલા ફાઈટર જેટ ક્યા દેશના હતા? તેને લઈને સસપેન્સ ઊભું થયું છે. આગામી ચોમાસું સત્રમાં વિપક્ષ આ મુદ્દાને લઈને સરકારને ઘેરી શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button