રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના ક્યા આદેશ સામે લીધો વાંધો ? શું કરી ટીકા ?

નવી દિલ્હી: ગઈ કાલે સોમવારે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા હતાં કે દિલ્હી-એનસીઆરમાંથી તમામ રખડતા શ્વાનોને પકડવામાં આવે અને શેલ્ટર ફેસિલિટીમાં રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશોનું ઘણા લોકોએ સ્વાગત કર્યું છે, જ્યારે પ્રાણીપ્રમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે, સોશિયલ મડિયા પર કોર્ટના નિર્દેશોની ટીકા કરવામાં આવી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ કોર્ટના નિર્દેશો સામે નારાજગી વ્યક્ત કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રાણીઓ સામે ક્રૂરતા વગર જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે આશ્રયસ્થાનો, નસબંધી, રસીકરણ અને કમ્યુનીટી કેરનો અભિગમ અપનાવવા વિનંતી કરી.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
X પરની એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું, “દિલ્હી-NCR માંથી બધા રખડતા શ્વાનોને દૂર કરવાનો SCનો નિર્દેશ દાયકાઓથી માનવીય અને વિજ્ઞાન આધારિત નીતિથી પાછળ હટવા જેવું છે. આ મૂંગા પ્રાણીઓ ભૂંસી નાખવા જેવી સમસ્યા નથી.”
રાહુલ ગાંધીએ લખ્યું, “આશ્રયસ્થાનો, નસબંધી, રસીકરણ અને કમ્યુનીટી કેર અપનાવીને ક્રુરતા આચર્યા વગર આપણા રસ્તાઓ સુરક્ષિત રાખી શકાય છે. તમામ શ્વાનોને દૂર કરવા એ ક્રુરતા છે અને ટૂંકા ગાળાની વ્યવસ્થા છે, તેને કારણે આપણી પાસેથી કરુણા છીનવાઈ જશે. આપણે ખાતરી કરવી જોઈએ કે જાહેર સલામતી અને એનિમલ વેલ્ફેર એક સાથે થાય.”
સુપ્રીમ કોર્ટનો આદેશ:
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે દિલ્હી-એનસીઆરમાંથી આઠ અઠવાડિયાની અંદર તમામ રખડતા શ્વાનોને દુર કરવામાં આવે. શ્વાનોને શેરીઓમાંથી પકડીને શેલ્ટર્સમાં રાખવામાં આવે. શ્વાન કરડવાની ફરિયાદો નોંધવા માટે એક હેલ્પલાઇન સ્થાપિત કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
શ્વાનોના માણસો પર વધતા હુમલાને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે આ નિર્દેશો આપ્યા હતાં.
આપણ વાંચો: જસ્ટિસ યશવંત વર્માને દુર કરવાની પ્રકિયા શરુ, લોકસભામાં ત્રણ સભ્યોની સમિતિની રચના