વાયુ પ્રદુષણનો મુદ્દો સંસદમાં ગુંજશે: કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીની આ માંગ સ્વીકારી

નવી દિલ્હી: ભારતની રાજધાની દિલ્હી સહીત દેશના ઘણાં શહેરોમાં વધી રહેલા વાયુ પ્રદુષણની સમસ્યા ચિંતાજનક બની રહી છે. આ મુદ્દે ઘણાં શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ થઇ રહ્યા છે. વાયુ પ્રદુષણનો મુદ્દો આજે સંસદમાં ગુંજશે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે શુક્રવારે વાયુ પ્રદૂષણ અંગે તાત્કાલિક ચર્ચાની માંગ કરી હતી, સરકારે આ અંગે ચર્ચા કરવા તૈયારી બતાવી છે.
રાહુલ ગાંધીનો સરકારને સવાલ:
શૂન્ય કાળ દરમિયાન લોકસભામાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે આજે ભારતના સૌથી મોટા શહેરો ઝેરી હવાના વાદળોમાં ઘેરાયેલા છે. તેમણે વાયુ પ્રદુષણને આરોગ્ય કટોકટી જાહેર કરવાની માંગ કરી. તેમણે સરકારને પૂછ્યું કે વાયુ પ્રદૂષણ ઘટાડવા સરકાર પાસે આગામી ચાર-પાંચ વર્ષ માટે શું યોજના છે? આવી યોજના હોય તો તેને સંસદમાં રજુ કરવામાં આવે.
આ પણ વાંચો : ઘૂસણખોરો PM/CM નક્કી નહીં કરે: અમિત શાહે સંસદમાં વિપક્ષ, રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
સાથે મળીને ઉકેલ શોધવાની અપીલ:
રાહુલ ગાંધીએ લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું, “દેશના લાખો બાળકોને ફેફસાના રોગો થઇ રહ્યા છે, તેમનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. વૃદ્ધ નાગરીકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, લાખો લોકોને કેન્સર થઈ રહ્યું છે. મને વિશ્વાસ છે કે આ મુદ્દે સરકાર અને આપણા બધા વચ્ચે ચર્ચા થશે અને કોઈ સંમતિ સધાશે.”
આ પણ વાંચો : પૂર્વ સાંસદ શકીલ અહેમદનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું રાહુલ અને સોનિયા ગાંધીની કાર્યશૈલીમાં તફાવત
રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચર્ચામાં અમે શું કર્યું અને તમે શું નથી કર્યું એ નહીં પણ આપણે ભારતના લોકો માટે ભવિષ્યમાં શું કરવાના છીએ એ મુદ્દે ચર્ચા થવી જોઈએ. એકબીજા પર દોષારોપણ કરવાને બદલે, આપણે કયા પગલાં લેવાની જરૂર છે તેના પર ચર્ચા કરવી જોઈએ. આ એક મુદ્દા પર આપણે સૌ સહમત છીએ.
સરકાર ચર્ચા માટે તૈયાર:
રાહુલ ગાંધીની માંગના જવાબમાં સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે, લોકસભાની કાર્ય સલાહકાર સમિતિ વાયુ પ્રદુષણ પર ચર્ચા માટે સમય ફાળવી શકે છે.



