રાઘવ ચડ્ઢાને ચાલુ સત્રમાં મળ્યો ઠપકો, આ કારણે રાજ્યસભાના અધ્યક્ષે ખખડાવ્યા
નવી દિલ્હી: સુરક્ષાભંગની ઘટના પર બંને ગૃહમાં સતત ત્રીજા દિવસે પણ વિપક્ષનો હોબાળો યથાવત રહ્યો હતો. આ દરમિયાન, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢા સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા હતા, ત્યારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તેમને હાથેથી ઈશારા કરવા સામે ચેતવણી આપી હતી.
વિપક્ષી સાંસદોએ 13 ડિસેમ્બરના રોજ સંસદમાં સુરક્ષાની ખામીને કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે દિવસના નિર્ધારિત કામકાજને મોકૂફ રાખવાની માંગ કરી હતી. પરંતુ અધ્યક્ષે નોટિસ મંજૂર કરી ન હતી અને ઝીરો અવર ચાલુ રાખ્યું હતું. જેના પર સમગ્ર વિપક્ષો વિરોધમાં ભડકી ઉઠ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન ચઢ્ઢાએ હાથનો ઈશારો કરીને (સુરક્ષા) વ્યવસ્થા પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
અધ્યક્ષે રાઘવ ચડ્ઢાની આ ચેષ્ટા સામે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, “મિસ્ટર ચઢ્ઢા, તમારે પોઈન્ટ ઓફ ઓર્ડર વધારવા માટે આ રીતે હાથનો ઈશારો કરવાની જરૂર નથી. તમારી જીભનો ઉપયોગ કરો. આમ ન કરો.” AAP સાંસદને ઠપકો આપતા સભાપતિએ આગળ કહ્યું, તમને આ બધું શીખવાડવું ન પડે, મને એવું લાગે છે કે તમે ટૂંક સમયમાં નાચવાનું પણ શરૂ કરી દેશો. તમારી સીટ પર શાંતિથી બેસો. તમને આ ગૃહ દ્વારા સજા થઈ ચૂકી છે.” તેમ જગદીપ ધનખડે જણાવ્યું હતું.
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન મીડિયામાં ભ્રામક તથ્યો રજૂ કરવા બદલ ચઢ્ઢાને આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 4 ડિસેમ્બરે એક ઠરાવ પસાર કરીને ગૃહે તેમનું સસ્પેન્શન સમાપ્ત કર્યું હતું અને તેમને કાર્યવાહીમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
વિપક્ષી સાંસદો આજે તેમની માગ પર અડગ રહ્યા કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સુરક્ષાભંગની ઘટના પર નિવેદન આપવું જોઈએ અને પછી તેની સાંસદો વચ્ચે ચર્ચા થવી જોઈએ. સંસદની કાર્યવાહી વારંવાર ખોરવાઈ હતી. વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભાના અધ્યક્ષે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. તેમણે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, ગૃહના નેતા પીયૂષ ગોયલ અને અન્ય ગૃહના નેતાઓને તેમની ચેમ્બરમાં મળવા માટે પણ જણાવ્યું હતું.