
વોશિંગ્ટન: અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ કરતા ક્વાડ દેશોએ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલાની સખત નિંદા કરી છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ સંયુક્ત નિવેદનમાં આ ઘટનાને નિંદનીય ગણાવી અને તમામ રાષ્ટ્રોએ આ હુમલાના પીડિતોને ન્યાય આપવવા સહયોગની અપીલ કરી.
આતંકી હુમલાની નિંદા
ક્વાડ દેશોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે તેઓ સરહદપારના આતંકવાદ અને હિંસક ઉગ્રવાદના તમામ સ્વરૂપોનો વિરોધ કરે છે. પહેલગામ (જમ્મુ અને કાશ્મીર)માં થયેલા આ હુમલામાં 25 ભારતીય અને એક નેપાળી નાગરિકે જીવ ગુમાવ્યો હતો. ક્વાડે પીડિતોના પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. આ ગુનાને અંજામ આપનારા, ષડયંત્ર કરનારા અને તેમને નાણાકીય મદદ કરનારાઓને તાત્કાલિક ન્યાયના દાયરામાં લાવવા માટે ક્વાડે આગ્રહ કર્યો.

આંતરરાષ્ટ્રીય સહયોગની અપીલ
ક્વાડે સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું પાલન કરીને સંબંધિત અધિકારીઓ સાથે સહકાર આપવા જણાવ્યું. આ અભિયાન આતંકવાદ વિરુદ્ધની લડાઈને મજબૂત કરવા અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટેનું પગલું છે. ક્વાડે આતંકવાદ વિરુદ્ધ સહયોગની પ્રતિબદ્ધતા ફરીથી દોહરાવી.
ભારતનો કડક વલણ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વોશિંગ્ટનમાં ક્વાડની બેઠક પહેલાં આતંકવાદ પ્રત્યે શૂન્ય સહનશીલતાનો અભિગમ અપનાવવાની હિમાયત કરી. તેમણે જણાવ્યું કે ભારત પોતાના નાગરિકોની સુરક્ષા માટે કડક પગલાં લેશે. આતંકવાદીઓ એવું વિચારશે કે સરહદ પાર છે એટલા માટે જવાબ નહીં મળે તો એ ચૂનોતી આપવા જેવું હશે. જે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતે સાબિત કર્યું છે. આ નિવેદન આતંકવાદ સામે ભારતના નિર્ણાયક વલણને દર્શાવે છે.