નેશનલ

વિશ્વના સંઘર્ષોમાં શાંતિદૂત છે આ દેશ; ઈરાન-ઈઝરાયલથી માંડીને યુએસ-તાલિબાન વચ્ચે મધ્યસ્થી કરાવી

નવી દિલ્હી: ઈરાન અને ઇઝાયલ વચ્ચે યદ્ધ વિરામ કરાવવાનો સપૂર્ણ શ્રેય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લઇ રહ્યા છે, પરંતુ આ યુદ્ધ વિરામ માટે મધ્યપૂર્વના નાનકડા દેશ કતારે મહત્વની ભૂમિકા ભજવી (Qatar role in Iran-Israel ceasefire) હતી. અહેવાલ મુજબ, ટ્રમ્પે પહેલા ઇઝરાયલને યુદ્ધવિરામ માટે મનાવ્યું હતું, ત્યાર બાદ ઈરાનને મનાવવા કતારના શાસકની મદદ લીધી હતી. કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાનીએ ઈરાની અધિકારીઓને ફોન કરીને યુદ્ધવિરામ માટે મનાવ્યા હતાં.

ઈરાન-ઇઝરાયલ યુદ્ધવિરામ ઉપરાંત કતારે અગાઉ પણ અન્ય ઘણા દેશો વચ્ચેના સંઘર્ષોમાં મધ્યસ્થી કરાવવા ભૂમિકા ભજવી છે. કતારને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોના ઉકેલમાં ડિપ્લોમેટિક પાવરહાઉસ તરીકે ઓળખવામાં આવે છે. કતારે તેના સોફ્ટ પાવરનો ઉપયોગ કરીને વિશ્વના જટિલ સંઘર્ષોને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આપણ વાંચો: ઇઝરાયલના ડરથી ઈરાનની રાજધાની તેહરાનમાં ફફડાટ: લાખો લોકો શહેર છોડી રહ્યા છે

રશિયા-યુક્રેન યુદ્ધ:

છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં મધ્યસ્થી માટે કતારમાં અનેક વાર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં. વર્ષ 2023 માં કતારની મધ્યસ્થી કરાયેલા કરાર હેઠળ, બંને પક્ષોએ 15 થી વધુ બાળકોને કેદમાંથી મુક્ત કર્યા. કરાર હેઠળ મુક્ત કરાયેલા બાળકોને કતારે આશ્રય આપ્યો હતો.

અમેરિકા-તાલિબાન સંઘર્ષ:

11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર પર અલકાયદાના હુમલા પછી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સેના મોકલીને હુમલો કર્યો હતો. અમેરિકન સેનાએ આતંકવાદી સંગઠનોના નાશ માટે લડાઈ શરુ કરી હતી. અમેરિકન સૈનિકો અને તાલિબાન વચ્ચેનો સંઘર્ષ બે દાયકા સુધી ચાલ્યો અને આખરે અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સેના પાછી ખેંચી લેવી પડી.

કતારે અફઘાનિસ્તાનમાંથી યુએસ અને નાટો સૈનિકો પાછા ખેંચવામાં અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર ચર્ચામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી. કતારની રાજધાની દોહામાં તાલિબાન અને યુએસ અધિકારીઓ વચ્ચે લાંબી વાટાઘાટો થઈ હતી, ત્યારબાદ 29 ફેબ્રુઆરી 2020 ના રોજ બંને પક્ષો વચ્ચે એક કરાર થયો અને યુએસ સૈનિકો અફઘાનિસ્તાનથી પાછા ફર્યા.

આપણ વાંચો: Israelલે ગાઝામાં મસ્જિદ અને શાળા પર હુમલો કર્યો, 24 લોકોના મોત

વર્ષ 2013 માં, કતારે તાલિબાનને દોહામાં એક કાર્યાલય ખોલવાની મંજૂરી આપી, જે વિદેશમાં તાલિબાનનું પહેલું કાર્યાલય હતું. બાદમાં આ કાર્યાલય મધ્યસ્થી માટે મહત્વનું સાબિત થયું.

ઇઝરાયલ-હમાસ યુદ્ધ:

કતારના ઇઝરાયલ અને હમાસ બંને સાથે સારા સંબંધો છે. હાલમાં હમાસની કેદમાં રહેલા કેટલાક ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં કતારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વર્ષ 2006માં, હમાસે ઇઝરાયલ ગાઝા સરહદ નજીક ગિલાડ શાલિત નામના ઇઝરાયલી સૈનિકને કેદ કર્યો હતો. વર્ષોની વાટાઘાટો પછી, 2011માં શાલિતની મુક્તિ પર સંમતિ થઈ અને બદલામાં ઇઝરાયલે 1,000 પેલેસ્ટિનિયનોને મુક્ત કર્યા.

આપણ વાંચો: ઈરાનના મિસાઈલ હુમલા છતાં કોઈ જાનહાની નહીં, ઈઝરાયલની એરિયલ ડિફેન્સ સિસ્ટમ વિષે જાણો

લેબનોન ગૃહ યુદ્ધ:

વર્ષ 2008માં લેબનોનની સરકાર અને બળવાખોર જૂથ હિઝબુલ્લાહ વચ્ચે ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં કરતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
લેબનોન સરકાર હિઝબુલ્લાહના સંદેશાવ્યવહાર નેટવર્કનો નાશ કરવા માંગતી હતી, જેના કારણે સંઘર્ષ થયો. કતાર દોહામાં દોહામાં બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી થઇ હતી.

કતાર પર આટલો વિશ્વાસ કેમ?

રાજકીય રીતે હંમેશા અસ્થિર રહેતા મધ્ય પૂર્વમાં કતાર એક તટસ્થ દેશ રહ્યો છે. કતારે તમામ મુસ્લિમો અને પશ્ચિમી દેશો સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે. જે દેશો સાથે પશ્ચિમી દેશો વાત કરવા ઈચ્છતા નથી એવા દેશો સાથે પણ કતાર સારા સંબંધો જાળવી રાખે છે. ઉદાહરણ તરીકે, કતારએ તાલિબાનને તેની રાજધાની દોહામાં એક કાર્યાલય શરુ કરવાની મંજૂરી આપી હતી, આ કાર્યાલયમાં જ અમેરિકા અને તાલિબાન વચ્ચે દોહા કરાર પર હસ્તાક્ષર થયા હતાં.

નોંધનીય વાત એ પણ છે કે કતાર પાસે પેટ્રોલિયમ અને ગેસનો વિશાળભંડાર છે, કતાર દુનિયાભરના દેશો સાથે વેપાર કરે છે. કતાર વિશ્વના સૌથી ધનિક દેશોમાંનો એક છે, તેણે વિશ્વભરના દેશોમાં ભારે રોકાણ કર્યું છે, જેને કારણે દરેક દેશ કતાર પર વિશ્વાસ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button