પુતિનના ભારત પ્રવાસ પૂર્વે દિલ્હીમાં ‘હાઈ સિક્યોરિટી એલર્ટ’: પાટનગર ‘કિલ્લા’માં ફેરવાયું

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસ બંને દેશોના સંબંધો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, ખાસ કરીને સંરક્ષણ, ઊર્જા અને વેપાર ક્ષેત્રોમાં નવી સમજૂતીઓ થવાની અપેક્ષા છે. આ મહત્વપૂર્ણ મુલાકાતને લઈને રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પુતિનની સુરક્ષા દુનિયાની સૌથી મજબૂત સુરક્ષાઓ પૈકીની એક ગણાય છે, અને આ સ્તર જાળવવા માટે ભારત અને રશિયન એજન્સી ખભેખભા મિલાવીને કામ કરી રહી છે. સમગ્ર રાજધાનીને ‘હાઈ-સિક્યોરિટી ઝોન’માં ફેરવી દેવામાં આવી છે, જેથી આ ‘ઝીરો એરર’ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ તેમનો આખો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડે.
વ્લાદિમીર પુતિનની અંગત સુરક્ષામાં તૈનાત રશિયાની સ્પેશિયલ પ્રોટેક્શન ટીમ (SPT) પુતિનની ભારત મુલાકાતના ઘણા દિવસો પહેલા જ દિલ્હી પહોંચી ગઈ છે. આ ટીમ ગુપ્ત રીતે હોટેલ, એરપોર્ટ, મીટિંગના સ્થળો અને સમગ્ર પ્રવાસ માર્ગની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ ટીમ દરેક નાના-મોટા જોખમોનું પણ સમીક્ષા કરવામાં આવશે.
આપણ વાચો: સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મુંબઈમાં કડક સુરક્ષા વ્યવસ્થાઃ 14,000થી વધુ પોલીસકર્મીઓ તહેનાત
ઉપરાંત, કઈ વ્યક્તિ કયા રૂમમાં જશે, કઈ લિફ્ટનો ઉપયોગ થશે, પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા કયા હશે – આ બધું જ ‘મિનિટ-ટુ-મિનિટ’ નક્કી કરવામાં આવે છે. આ ટીમના કડક નિયમો અને પૂર્વ-તપાસ દર્શાવે છે કે પુતિનની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવતી નથી.
પુતિનની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને કેટલીક વિશેષ વ્યવસ્થાઓ જોવા મળે છે. તેઓ જ્યાં પણ મુસાફરી કરે છે, ત્યાં એક મોબાઇલ કેમિકલ લેબ તેમની સાથે હોય છે. આ લેબનું મુખ્ય કામ તેમના ખોરાક અને પીવાના પાણીની ચકાસણી કરવાનું હોય છે.
રિપોર્ટ મુજબ પુતિન ન તો સ્થાનિક ખોરાક ખાય છે કે ન તો સ્થાનિક પાણી પીવે છે. તેમનો તમામ સામાન રશિયાથી ખાસ રીતે તૈયાર થઈને આવે છે અને અનેક સ્તરીય તપાસ બાદ જ તેમને પીરસવામાં આવે છે. આ સિવાય, પુતિન તેમની મુસાફરી દરમિયાન પોતાનું પર્સનલ પોર્ટેબલ ટૉઇલેટ પણ સાથે રાખે છે, જેનો ઉદ્દેશ્ય તેમના સ્વાસ્થ્ય, તબીબી ડેટા અને અંગત માહિતીને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાનો છે.
આપણ વાચો: દિલ્હી બ્લાસ્ટ કેસના કવરેજ અંગે સરકારે ન્યૂઝ ચેનલોને આપી કડક ચેતવણી! જાણો શું કહ્યું
રશિયન રાષ્ટ્રપતિના આગમનને લઈને દિલ્હી પોલીસ, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ હાઈ એલર્ટ પર છે. રાજધાનીના મુખ્ય વિસ્તારોમાં પોલીસની મોટી ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. VIP મૂવમેન્ટના રૂટ્સનું ટ્રાયલ પહેલેથી જ કરવામાં આવી રહ્યું છે.
હોટેલથી લઈને મીટિંગના સ્થળ સુધી મલ્ટિ-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ મુખ્ય પોઈન્ટ્સ પર સ્નાઇપર્સ તૈનાત કરાયા છે અને ડ્રોન દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે. ટેકનિકલ ટીમો દરેક સિગ્નલ, કોમ્યુનિકેશન અને નેટવર્ક પર નજર રાખી રહી છે, સાથે જ એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ પણ સક્રિય છે.
પુતિનના કાફલાના સંભવિત માર્ગો પર હાઈ-ડેફિનેશન કેમેરા અને ફેસ રેકગ્નિશન સિસ્ટમની મદદથી ‘રિયલ-ટાઇમ મોનિટરિંગ’ કરવામાં આવશે. દિલ્હી પોલીસના કંટ્રોલ રૂમમાં 24×7 એક અલગ મોનિટરિંગ ડેસ્ક ઊભું કરવામાં આવ્યું છે.
વીઆઈપી મૂવમેન્ટ દરમિયાન દિલ્હીના કેટલાક ભાગોમાં ટ્રાફિક ડાયવર્ઝન રહેશે. પોલીસનો પ્રયાસ છે કે સામાન્ય જનતાને ઓછી મુશ્કેલી પડે, પરંતુ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. તેમનો આખો કાર્યક્રમ ‘ઝીરો એરર’ સિક્યોરિટી પ્રોટોકોલ હેઠળ સફળતાપૂર્વક ચલાવવામાં આવશે.



