AC કોચમાં બેડરોલની ચોરી કરતા દંપતીને રેલવે સ્ટાફે રંગેહાથ પકડ્યા, જુઓ વાયરલ વીડિયો

નવી દિલ્હી: ભારતીય રેલવેના AC કોચમાં રિઝર્વેશન કરાવનાર મુસાફરોને મુસાફરી દરમિયાન રેલવે દ્વારા ચાદર, ધાબળો, તકિયો જેવી વસ્તુઓ આપવામાં આવે છે. મુસાફરી પૂરી થયા બાદ આ વસ્તુઓ સીટ પર છોડીને જવાની હોય છે. પરંતુ ઘણા લોકો આ વસ્તુઓની ચોરી પણ કરતા હોય છે.
તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પુરી અને દિલ્હી વચ્ચે દોડતી એક એક્સપ્રેસ ટ્રેનમાં એક દંપતીને TTE અને રેલવે સ્ટાફે ચોરી કરેલા ચાદર અને ધાબળા સાથે પકડ્યા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પુરુષોત્તમ એક્સપ્રેસ ટ્રેનની ઘટના
પુરી અને દિલ્હી વચ્ચે દોડતી પુરુષોત્તમ એક્સપ્રેસ ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક પરિવાર પર મુસાફરોની સુવિધા માટે પૂરી પાડવામાં આવતી ચાદર અને ધાબળા ચોરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, રેલવે ટેસ્ટ કંટ્રોલર (TTE) અને રેલવે સ્ટાફે આ પરિવારને તેમની બેગમાંથી ચોરાયેલી વસ્તુઓ સાથે પકડ્યો છે. વીડિયોમાં એક રેલવે એટેન્ડન્ટ ઓડિયા ભાષામાં કહી રહ્યો છે કે, “સાહેબ, જુઓ, બધી બેગમાંથી ચાદર અને ધાબળા પડી રહ્યા છે. કુલ ચાર સેટ ધાબળા અને ચાદર છે. કાં તો તેમને પાછા આપો અથવા 780 રૂપિયા ચૂકવો.”
રેલવે સ્ટાફ દ્વારા લગાવાયેલા આરોપોનો પરિવારે શરૂઆતમાં વિરોધ કર્યો અને કહ્યું કે, “અમારી માતાએ ભૂલથી આ વસ્તુઓ પેક કરી હશે.” જોકે, રેલવે કર્મચારીઓએ તેમની વાત સાથે અસંમતિ દર્શાવી હતી.
ચોરી કરતા મુસાફરો સામે કડક કાર્યવાહીની માંગ
પુરુષોત્તમ એક્સપ્રેસ ટ્રેનમાં થયેલી ચોરીની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને યુઝર્સે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને સાથોસાથ ચોરી કરનાર પરિવાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
એક યુઝરે કહ્યું, “ફર્સ્ટ એસીમાં મુસાફરી કરવી એ એક વિશેષાધિકાર છે, પરંતુ ચાદર ચોરવી એ આદર અને પ્રામાણિકતાનો અભાવ દર્શાવે છે.” કેટલાક યુઝર્સે આ રીતે ચોરી કરનારા મુસાફરો સામે કડક કાર્યવાહી કરવા અને તેમના માટે આજીવન રેલ મુસાફરી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
આ પણ વાંચો…રેલવે પ્રવાસીઓ માટે Good News: હવે આટલા રૂપિયામાં મળશે એક લિટર Rail Neerની બોટલ