
નવી દિલ્હી: ઠંડી વધવાની સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR વિસ્તારમાં વાયુ પ્રદુષણનું સ્તર ખુબજ વધી જતું હોય છે. આજે સવારે દિલ્હીમાં તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યું હતું અને ગાઢ ધુમ્મસ છવાયેલી જોવા મળી હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, સોમવારે સવારે 6 વાગ્યે શહેરમાં એકંદર AQI 346 હતો, જે “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં આવે છે. ગઈ કાલે સાંજે દિલ્હીવાસીઓ વધતા પ્રદુષણ સામે વિરોધ પ્રદર્શન કરવા નીકળી પડ્યા હતાં.
ગઈ કાલે રવિવારે સાંજે 5 વાગ્યે ઈન્ડિયા ગેટ પાસે લોકો ક્લાઈમેટ એક્ટીવીસ્ટ, રાજકીય નેતાઓ અને નાગરિકો શહેરમાં વધી રહેલા વાયુ પ્રદુષણના સ્તર સામે વિરોધ દર્શાવવ એકઠા થવા લાગ્યા હતા. રખડતા શ્વાનો અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે અસંમતિ દર્શાવવા માટે એનિમલ રાઈટ્સ એક્ટીવીસ્ટ પણ આ વિરોધ પ્રદર્શન જોડાયા હતાં.
સંખ્યાબંધ લોકોની અટકાયત:
દિલ્હી પોલીસે કહ્યું હતું કે લોકો પોલીસની પરવાનગી વિના એકઠા થયા હતા, મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે પોલીસે તેમને ધમકી આપી હતી. લોકોએ દિલ્હી પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકાર સામે નારા લગાવ્યા હતાં. લોકો વિવિધ સુત્રો લખેલા પ્લેકાર્ડ લઇને આવ્યા હતાં. દિલ્હી પીલીસે સંખ્યાબંધ લોકોની અટકાયત કરી હતી અને તેમને અજ્ઞાત સ્થળે લઇ ગયા હતાં.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ આશરે 60-80 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જે લોકો માનસિંહ રોડ બ્લોક કરી રહ્યા હતા તેમની જ અટકાયત કરવામાં આવી છે. માનસિંહ રોડ પર વિરોધ પ્રદર્શનની આગેવાની દિલ્હી આમ આદમી પાર્ટી (AAP)વડા સૌરભ ભારદ્વાજ કરી રહ્યા હતા. ઇન્ડિયા ગેટની પાસે વિરોધ કરી રહેલા લોકોને ત્યાંથી ખસી જવાનો નિર્દેશ આપવામાં આવ્યો અને તેમને દૂર કરવામાં આવ્યા.
બાળકોની પણ અટકાયત!
X પરની એક પોસ્ટમાં ક્લાઈમેટ એક્ટીવીસ્ટ વિમલેન્દુ ઝાએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ બાળકોને પણ અટકાયતમાં લઈ રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થળ પર પોલીસકર્મીઓ સાથે થયેલી ઝપાઝપીનો વીડિયો શેર કરતા તેમણે લખ્યું, “જેઓ ફક્ત શ્વાસ લેવાનો પોતાનો અધિકાર માંગી રહ્યા હતા, એવા બાળકોને પણ અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે.”
Even children are detained, who were only asking for their right to breathe. India Gate Air Protest. pic.twitter.com/IkglvLCORQ
— Vimlendu Jha विमलेंदु झा (@vimlendu) November 9, 2025
રાજકરણ ગરમાયું:
પર્યાવરણ પ્રધાન મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હીમાં વાયુ પ્રદુષણ અગાઉની આપ સરકાર સરકારની નિષ્ફળતા છે. વિરોધ પ્રદર્શન અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે નાગરિકોને પોતાના મંતવ્યો વ્યક્ત કરવાનો અધિકાર છે.
વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સૌરભ ભારદ્વાજે કહ્યું કે છેલ્લા દસ વર્ષથી વાયુ પ્રદૂષણ એક મોટો મુદ્દો રહ્યો છે પરંતુ ડેટા સાથે છેડછાડને કારણે ચિંતા વધી છે અને દિલ્હીમાં લોકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ નથી.
દિલ્હી પ્રદુષણ વધ્યું:
એક તરફ પ્રદુષણ નામે રાજકીય આરોપ-પ્રતિઆરોપો થઇ રહ્યા છે, ત્યારે દિલ્હી વાસીઓ ઝેરી હવામાં શ્વાસ લેવા મજબુર છે. આજે સવારે દિલ્હીના મોટાભાગના મોનિટરિંગ સ્ટેશનોએ પ્રદૂષણનું સ્તર “ગંભીર” થી “ખૂબ જ ખરાબ” રેન્જમાં નોંધ્યું હતું. બાવાનામાં AQI સૌથી વધુ 412, વઝીરપુરમાં 397, જહાંગીરપુરીમાં 394 અને નેહરુ નગરમાં 386 નોંધાયું હતું.
આપણ વાંચો: ગુજરાત બાદ ફરીદાબાદમાં ડોક્ટરોનું આતંકી કનેક્શન! કાશ્મીરી ડોક્ટરના ઘરેથી 300 કિલો RDX જપ્ત



