PM મોદીના ‘જંગલરાજ’ના ટોન્ટ પર પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ, કહ્યું 3 વર્ષ 27 પુલ તૂટ્યા….

પટનાઃ બિહારના વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અરરિયા પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જંગલરાજના 15 વર્ષ યાદ કરતા કહ્યું કે તે સમયે એક પણ પુલ નહોતા બન્યા. જેના પર હવે કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ વળતો પ્રહાર કર્યો છે. પ્રિયંકા ગાંધીએ મોતિહારીમાં પ્રચાર દરમિયાન જવાબ આપતા કહ્યું કે તમારી સરકારમાં તો છેલ્લા 3 વર્ષમાં 27 પુલ ધરાશાયી થઈ ગયા!
આખી વાત એમ છે કે, અરરિયાની સભામાં પીએમ મોદીએ કહ્યું કે 1990થી 2005 સુધીના ‘જંગલરાજે’ બિહારને બરબાદ કરી નાખ્યું. એક પણ એક્સપ્રેસ-વે નહીં, એક પણ પુલ નહીં. લૂંટ ચાલી, લોકોનું ભવિષ્ય બરબાદ થયું.” તેમણે ઉમેર્યું, “નીતીશજીએ બિહારને જંગલરાજમાંથી બહાર કાઢ્યું. 2014 પછી ડબલ એન્જિન સરકારથી પટનામાં IIT, બોધગયામાં IIM, AIIMS, દરભંગામાં નવું AIIMS અને રાષ્ટ્રીય વિધિ વિશ્વવિદ્યાલય બન્યા.”
આ પણ વાંચો: મહિલા પત્રકારોને ‘બહાર’ રાખતાં પ્રિયંકા ગાંધી ભડક્યા: PM મોદીને પૂછ્યું – ‘તાલિબાનના પગલે ચાલવું યોગ્ય છે?’
ત્રણ વર્ષમાં 27 પુલ ધરાશાયી!
જ્યારે બીજી બાજું ચૂંટણી પ્રચાર માટે મોતિહારી પહોંચેલા પ્રિયંકા ગાંધીએ જંગલરાજના જવાબમાં પલટવાર કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે, “બિહારમાં છેલ્લા 3 વર્ષમાં 27 પુલ તૂટીને પડ્યા છે. આ તમારી ડબલ એન્જિન સરકારનું કામ છે!” તેમણે બિહારીઓને યાદ કરાવ્યું, “આ ધરતીના પૂર્વજોએ અંગ્રેજો સામે લડત આપી, ચંપારણમાંથી જ મહાત્મા ગાંધીએ સત્યાગ્રહની શરૂઆત કરી. તમે જ દેશ બનાવનારા છો.”
પ્રિયંકાએ યુવાનોનો મુદ્દો પણ ઉઠાવ્યો, “યુવાનો વર્ષો સુધી પરીક્ષા આપે છે, પણ પેપર લીક થઈ જાય છે. નોકરીની રાહ જોતાં-જોતાં જીવનના કિંમતી વર્ષો વેડફાઈ જાય છે.” તેમણે ઉમેર્યું કે “અમે એ પાર્ટીના કાર્યકર્તા છીએ જેને ગાંધીજીએ રસ્તો બતાવ્યો. આ રસ્તો ગાંધીજીને બતાવનાર તમારા જ પૂર્વજો હતો.”



