પ્રિયંકા ગાંધીએ જેપી નડ્ડા વચ્ચે થઈ મુલાકાત, બેઠકમાં શું થઈ ચર્ચા, જાણો?

નવી દિલ્હી: વિપક્ષના હોબાળા અને અનેક મુદ્દાઓ અંગેની ચર્ચા વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થઈ ગયું છે. હવે તમામ રાજકીય પક્ષો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ માત્ર સંસદના સત્રમાં લાગતા હોય છે. બાકી બહારની દુનિયા અલગ છે. આજે હવે કૉંગ્રેસનાં નેતા અને વાયનાડ બેઠકનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ જે.પી. નડ્ડા સાથે શા માટે મુલાકાત કરી? આવો જાણીએ.
વાયનાડની સમસ્યાઓ અંગે કરી વાત
પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ પોતાની મુલાકાતના પ્રયોજન અંગે માહિતી આપી હતી. પ્રિયંકા ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, વાયનાડમાં કેટલાક આરોગ્ય સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સને વેગવાન બનાવવા માટે વિનંતી કરવામાં આવી છે. માનન્થવાડીમાં મેડિકલ કોલેજના અભાવે સ્થાનિકો ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જે અંગે કેબિનેટ આરોગ્ય પ્રધાનને વાકેફ કર્યા હતા.
આદિવાસીઓની જરુરિયાત પર ભાર
પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું આરોગ્ય પ્રધાન સાથે વાયનાડની આદિવાસી વસ્તી માટે સારી આરોગ્ય સેવાની જરૂરિયાત, તેમની વિશિષ્ટ આરોગ્ય સમસ્યાઓ, બાકી NHM ભંડોળ અને વિસ્તારમાં પ્રાણીઓના હુમલાના કિસ્સાઓમાં ખાસ ટ્રોમા સેન્ટરની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી.
કેરળ માટે એઇમ્સની માંગણી
જેપી નડ્ડા સાથેની તેમની મુલાકાતમાં પ્રિયંકા ગાંધીએ કેરળ માટે એઇમ્સની લાંબા સમયથી ચાલી આવતી માંગણીનું પુનરાવર્તન કર્યું હતું. જેપી નડ્ડાએ પ્રિયંકા ગાંધીના તમામ મુદ્દાઓ સાંભળ્યા અને મુક્ત મને ચર્ચા કરી. તમામ મુદ્દાઓ પર યોગ્ય ધ્યાન આપવામાં આવશે, એવી મુલાકાતના અંતે પ્રિયંકા ગાંધીએ આશા વ્યક્ત કરી હતી.