વંદે માતરમની ચર્ચા વચ્ચે પ્રિયંકા ગાંધીએ PM મોદીને આપી સલાહ, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: આપણા રાષ્ટ્રગીત “વંદે માતરમ”ને 150 વર્ષ પૂરા થયા છે. 7 નવેમ્બર, 2025ના રોજ ભારતના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ”ના જન્મની 150મી વર્ષગાંઠ હતી. આ દિવસથી સમગ્ર દેશમાં “વંદે માતરમ”ને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. હાલ “વંદે માતરમ”ને લઈને લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે “વંદે માતરમ”ને લઈને પોતાના વિચારો ગૃહમાં રજૂ કર્યા છે. પરંતુ આ ચર્ચા વચ્ચે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી છે. જે જવાહરલાલ નેહરુને લઈને છે.
પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાનને શું સલાહ આપી
લોકસભામાં પ્રિયંકા ગાંધીએ અધ્યક્ષના માધ્યમ ગૃહને સંબોધતા જણાવ્યું કે, “આપણા વડા પ્રધાન છેલ્લા 12 વર્ષથી ગૃહમાં છે. હું ફક્ત 12 મહિનાથી ગૃહમાં છું. તેમ છતાં એક નાનકડી સલાહ આપવા માંગું છે. થોડા મહિના પહેલા એક ચૂંટણી હતી. જેમાં તેમણે એક લિસ્ટ બનાવ્યું કે વિપક્ષની પાર્ટીઓએ અને વિપક્ષના નેતાઓએ તેમનું કેટલી વખત અપમાન કર્યું. તેમણે 90-99 જેટલા અપમાનોનું લિસ્ટ બનાવ્યું.”
આ પણ વાંચો : રૂપિયાના ઘટાડા પર પ્રિયંકા ગાંધીનો ભાજપને સીધો સવાલ: “મનમોહન સિંહના સમયમાં શું કહેતા હતા, હવે શું કહેશો?”
પ્રિયંકા ગાંધીએ આગળ જણાવ્યું કે, “નેહરુજીથી જેટલી ફરિયાદ છે. તમારા મતે જેટલી પણ ભૂલો કરી છે. જેટલી ગાળો દેવી હોય, અપમાન કરવું હોય તેનું પણ એક લિસ્ટ બનાવી લો. 999-2999 અપમાન એક યાદી બનાવી લો. ત્યારબાદ આપણે એક સમય નક્કી કરીશું. આજે જેમ વંદે માતરમ પર ચર્ચા થઈ રહી છે. એજ રીતે આપણે અધ્યક્ષ મહોદયને પૂછીશું. એક સમય નક્કી કરીશું. 10 કલાક, 20 કલાક, 40 કલાક જેટલા કલાકમાં તમારી ફરિયાદ પૂરી થઈ જાય, તમે શાંત થઈ જાવ. આપણે ચર્ચા કરી લઈશું.”
ગૃહનો કિંમતી સમય બગાડશો નહીં
પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું કે, “જનતાએ આપણને આ ગૃહમાં ચૂંટીને મોકલ્યા છે. આ ગૃહનો કિંમતી સમયનો જનતાની સમસ્યાઓના નિરાકરણ માટે ઉપયોગ કરવો જોઈએ. અમે સાંભળી લઈશું, શું શું ફરિયાદ છે, ઈન્દિરાજીએ શું કર્યું છે, રાજીવજીએ શું કર્યું, પરિવારવાદ શું હોય છે, નેહરુજીએ શું કર્યું, તેમની શું ભૂલ હતી? એ સંભળાવી દો, એટલે પૂરૂ. પછી બેરોજગારી, મોંઘવારી, મહિલાઓની સમસ્યા વિશે ચર્ચા કરીશું.”
આ પણ વાંચો : PMની ‘ટિપ્સ’ પર પ્રિયંકા ગાંધીનો પલટવાર: ‘મુદ્દા ઉઠાવવા નાટક નથી, બોલવા ન દેવું એ જ નાટક છે!’
નેહરુએ વંદે માતરમના ટુકડા કર્યા
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહાર કર્યા હતા. શાહે જણાવ્યું હતું કે, નેહરુએ વંદે માતરમના ટુકડા કર્યા હતા. તુષ્ટિકરણ માટે વંદે માતરમનો વિરોધ કર્યો. જ્યારે વંદે માતરમના 100 વર્ષ પૂરા થવા પર દેશમાં જશ્ન મનાવવાનો હતો ત્યારે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી.



