સળંગ 11મી વખત સ્વતંત્રતા દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સળંગ અગિયારમી વખત ધ્વજારોહણ કરશે અને તેમની સરકારના એજેન્ડા રજૂ કરશે અને પોતાના કામનો અહેવાલ આપશે. મહત્ત્વની નીતિ વિષયક અને કાર્યક્રમોની જાહેરાતો કરશે અને જ્વલંત મુદ્દા પર પોતાની વાત રજૂ કરશે.
ત્રીજી મુદતમાં તેમનું આ પહેલું ભાષણ તેમને વડા પ્રધાન મનમોહન સિંહથી એક ડગલું આગળ લઈ જશે જેમણે 2004થી 2014 સુધીમાં કુલ 10 વખત લાલ કિલ્લા પર ધ્વજારોહણ કર્યું હતું. પરંતુ તેઓ જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી કરતાં પાછળ રહેશે જેમણે અનુક્રમે 17 અને 16 વખત ધ્વજારોહણ કર્યું હતું.
તેમનું ભાષણ વિકસિત ભારતના વિષય પર આધારિત હોવાની શક્યતા જણાઈ રહી છે. બાંગ્લાદેશની કટોકટી અને ખાસ કરીને ત્યાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો ઉલ્લેખ તેમના ભાષણમાં કરવામાં આવે એવી શક્યતા જણાઈ રહી છે કેમ કે આ મુદ્દે હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા સક્રિય થયા છે અને રસ્તા પર ઉતર્યા છે.
આ પણ વાંચો: રણબીર કપૂરે કહ્યું: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો…
મોદી તેમની સરકારને સળંગ ત્રીજી વખત જનમત મળ્યો તેનો પણ ઉલ્લેખ કરે એવી શક્યતા જણાઈ રહી છે. છેલ્લા દસ વર્ષમાં કરવામાં આવેલા સુધારા, વિકાસના કામો અને કલ્યાણકારી યોજનાઓથી કેવી રીતે લોકોના જીવનમાં સુધારો થયો છે તેના પર ઊંડાણપુર્વક વિવેચન કરશે.
છેલ્લા દસ વર્ષમાં સૌથી મજબૂત વિપક્ષ જ્યારે લોકોને કલ્યાણકારી યોજનાઓની લાલચ આપીને લુભાવી રહ્યો છે ત્યારે વડા પ્રધાન કોઈ નવી યોજનાની જાહેરાત કરે છે કે પછી વર્તમાન કલ્યાણકારી યોજનાનો વ્યાપ વધારે છે તેના પર બધાની નજર રહેશે.
વડા પ્રધાનના અત્યારસુધીના સ્વાતંત્ર્ય દિનના ભાષણોમાં વારંવાર જ્મ્મુ અને કાશ્મીરનો મુદ્દો ચમકતો રહ્યો છે, ખાસ કરીને કલમ 370 નાબુદ કરવામાં આવ્યા પછી કાશ્મીરમાં કરવામાં આવેલા વિકાસના કામો અને સુરક્ષાના પગલાં વિશે ઉલ્લેખ કરવામાં આવે એવું લાગે છે.
જૂન મહિનામાં ત્રીજી વખત સત્તામાં આવ્યા પછી સરકાર દ્વારા લેવામાં આવનારા કેટલાક મહત્ત્વના નિર્ણયો પર તેઓ નિવેદન કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આવા નિર્ણયોમાં ગરીબો માટેની ગૃહનિર્માણ યોજનાનું વિસ્તરણ, રોડ અને રેલની માળખાકીય સુવિધાનું વિસ્તરણ અને વક્ફ બોર્ડ અને મિલકતોમાં પ્રસ્તાવિત સુધારાના નવા કાયદા પર તેઓ બોલે એવી શક્યતા છે. (પીટીઆઈ)