વડા પ્રધાન મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે એશિયાના સૌથી મોટા ટેકનોલોજી પ્લેટફોર્મ, ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ત્રણ દિવસીય ટેક ઇવેન્ટની 7મી આવૃત્તિ 6G, 5G નેટવર્ક સુધારણા, ટેલિકોમ અને અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત હશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
એશિયાના સૌથી મોટા ટેક્નોલોજી પ્લેટફોર્મ પર AI એપ્લિકેશન્સ, એજ કમ્પ્યુટિંગ, ઇન્ડસ્ટ્રી 4.0 અને ઇન્ડિયા સ્ટેક સંબંધિત નવી માહિતી પણ ઉપલબ્ધ હશે. IMC 2023માં બ્રોડકાસ્ટીંગ, સેટેલાઇટ કોમ્યુનિકેશન, મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર્સ જેવી ટેક્નોલોજી ડોમેન્સનું પ્રદર્શન કરવામાં આવશે. આ ત્રણ દિવસીય ઈવેન્ટમાં 5G, 6G, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી ટેક્નોલોજીઓ પર પ્રકાશ પાડવામાં આવશે અને સેમિકન્ડક્ટર ઉદ્યોગ, ગ્રીન ટેક્નોલોજી, સાયબર સિક્યુરિટી વગેરે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિલાયન્સ જિયો કોર્નરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જીયોના ચેરમેન આકાશ અંબાણીએ વડા પ્રધાન મોદીને IMC 2023માં કંપની દ્વારા પ્રદર્શિત નવા ઉત્પાદનો વિશે માહિતગાર કર્યા હતા. વડા પ્રધાન મોદીએ આ વર્ષની ઇવેન્ટમાં એરટેલ અને એરિક્સન દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી નવી ટેક્નોલોજી પર પણ નજર નાખી.
IMC 2023માં લગભગ 5000 CEO સ્તરના પ્રતિનિધિઓ, 230 પ્રદર્શકો, 400 સ્ટાર્ટઅપ્સ અને અન્ય હિતધારકો સહિત લગભગ 22 દેશોમાંથી એક લાખથી વધુ લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે.