વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: દિવાળીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે દેશના મારા પોતાના પરિવારના સભ્યોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ ખાસ તહેવાર આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવાળીની પૂર્વસંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, દિવાળી એ આનંદ અને ખુશીનો તહેવાર છે. તે અંધકાર પર પ્રકાશની જીત, અન્યાય પર ન્યાયની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. વિવિધ ધર્મ અને આસ્થાના લોકો આ તહેવારની ઉજવણી કરે છે અને પ્રેમ, ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ ફેલાવે છે. આ તહેવાર દયા, સકારાત્મકતા અને સમૃદ્ધિનું પ્રતીક છે.
રાષ્ટ્રપતિએ કહ્યું, દિવાળીનો તહેવાર આપણા અંતરાત્માને પ્રકાશિત કરે છે અને આપણને માનવતાના કલ્યાણ માટે કામ કરવાની પ્રેરણા આપે છે. એક દીવો બીજા ઘણા દીવાઓને પ્રકાશિત કરી શકે છે. તેવી જ રીતે, આપણે ગરીબો અને જરૂરિયાતમંદોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકીએ છીએ અને તેમની સાથે આપણી ખુશીઓ વહેંચી શકીએ છીએ.
રાષ્ટ્રપતિ મુર્મુએ દરેકને દિવાળી સુરક્ષિત રીતે ઉજવવા અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવા અપીલ કરી હતી.