મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાયું: લોકસભાની મંજૂરી, શાંતિ સ્થાપનાનો દાવો

નવી દિલ્હીઃ લોકસભાએ આજે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન 13 ઓગસ્ટ પછી છ મહિના માટે લંબાવવાના ઠરાવને મંજૂરી આપી હતી. જેમાં સરકારે દાવો કર્યો હતો કે ઉત્તરપૂર્વીય રાજ્યમાં શાંતિ યથાવત્ છે.
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે મણિપુરમાં શાંતિ સ્થપાયાનું સૌથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે છે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી છેલ્લા ચાર મહિનામાં ફક્ત એક જ મૃત્યુ થયું છે અને કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે કહ્યું હતું કે શાંતિ સ્થાપિત કરવા માટે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન જરૂરી છે.
આપણ વાંચો: મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ માસ લંબાવવાનો નિર્ણય, સંસદમાં રજુ કરાશે પ્રસ્તાવ
તેમણે કહ્યું હતું કે “હું કહેવા માંગુ છું કે ત્યાં શાંતિ સ્થપાયેલી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ નિયંત્રણમાં છે. કાયમી શાંતિ સ્થાપિત કરવા માટે વાતચીત મારફતે બે જાતીય સમુદાયો વચ્ચેના મતભેદોને દૂર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નિત્યાનંદ રાયે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવા માટે એક વૈધાનિક ઠરાવ લોકસભામાં ચર્ચા માટે રજૂ કર્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે મણિપુરમાં 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું અને ગૃહે 2 એપ્રિલે તેને મંજૂરી આપી હતી. સંસદ દ્ધારા રાષ્ટ્રપતિ શાસનને આપવામાં આવેલી મંજૂરી છ મહિના માટે માન્ય હોય છે.