રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલ ફાઇટર જેટની ભરી ઉડાન: પાકિસ્તાને ફેલાવેલી અફવાનો પણ કર્યો પર્દાફાશ

અંબાલા: ભારતના રાષ્ટ્રપતિ ભારતીય સેનાની ત્રણેય પાંખના સર્વોચ્ચ વડા કહેવાય છે. અત્યારસુધી એવા ત્રણ રાષ્ટ્રપતિ છે, જેમણે વાયુસેનાના ફાઇટર પ્લેન ઉડાવ્યા છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનો પણ સમાવેશ થાય છે. આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ વધુ એક ફાઇટર પ્લેનની ઉડાન ભરી હતી. આ કયુ ફાઇટર પ્લેન છે, આવો જાણીએ.
રાષ્ટ્રપતિને અપાયું ગાર્ડ ઓફ ઓનર
ભારતના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર દ્રૌપદી મુર્મુએ બુધવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન પરથી રાફેલ ફાઇટર જેટમાં સફળ ઉડાન ભરી હતી. આ ઉડાન આશરે 30 થી 35 મિનિટ સુધી ચાલી હતી. રાષ્ટ્રપતિ મુર્મુને લઈને જનારા રાફેલ વિમાનનું સંચાલન ગ્રુપ કેપ્ટન અમિત ગહાનીએ કર્યું હતું, જ્યારે એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે અન્ય રાફેલ વિમાન ઉડાવ્યું હતું. ઉડાન પહેલા, રાષ્ટ્રપતિ મુર્મુને અંબાલા એરફોર્સ સ્ટેશન પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ મુર્મુએ ૮ એપ્રિલ, ૨૦૨૩ ના રોજ આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ-૩૦ MKI ફાઇટર વિમાન પણ ઉડાવ્યું હતું, જેના પગલે તેઓ આવું કરનાર ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા હતા.
આપણ વાચો: વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહીત અગ્રણી નેતાઓએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી
પ્રથમ મહિલા રાફેલ પાઇલટ સાથે કરી મુલાકાત
અંબાલા એરબેઝ ખાતે રાષ્ટ્રપતિ મુર્મુ સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહની પણ મળ્યા હતા. સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ ફ્રેન્ચ બનાવટનું સિંગલ-સીટર રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉડાડનાર પ્રથમ મહિલા રાફેલ પાઇલટ છે.
આ મુલાકાત મહત્વની છે કારણ કે ભારતે ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલ ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો. તે સમયે, પાકિસ્તાને ભારતીય રાફેલ તોડી પાડવાનો અને પાઇલટ શિવાંગી સિંહને પકડવાનો દાવો કરીને સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા શિવાંગી સિંહ સાથેની મુલાકાતને પાકિસ્તાનના આ જૂઠાણાનો પર્દાફાશ કરી દીધો છે.



