રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીને ઘરે જઇ ભારત રત્ન આપ્યો
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે 31 માર્ચના રોજ ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તેમના નિવાસસ્થાને જઇ મુલાકાત કરી હતી અને તેમને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ભારતરત્ન એવોર્ડ દેશનું સર્વોચ્ચ સન્માન છે.
આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અડવાણીના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, એવી રાષ્ટ્રપતિ ભવને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી આપી હતી.
રાષ્ટ્રપતિ ભવનના જણાવ્યા અનુસાર, “ભારતીય રાજનીતિના સૂત્રધાર અડવાણીએ સાત દાયકાથી વધુ સમય સુધી અતૂટ સમર્પણ અને ગૌરવ સાથે દેશની સેવા કરી છે.”
1927માં કરાચીમાં જન્મેલા અડવાણીનો પરિવાર ભાગલા બાદ 1947માં ભારત આવ્યો હતો. તેમણે દેશ માટે સખત મહેનત કરી અને સામાજિક, રાજકીય લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવ્યા. જ્યારે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી ત્યારે તેમણે દેશની લોકશાહીને જીવંત રાખવામાં મદદ કરી.
અડવાણી (96) જૂન 2002 થી મે 2004 સુધી નાયબ વડા પ્રધાન અને ઓક્ટોબર 1999 થી મે 2004 સુધી કેન્દ્રીય ગૃહ પ્રધાન હતા. ગૃહ પ્રદાન અને નાયબ વડા પ્રધાન તરીકે તેમણે હંમેશા રાષ્ટ્રહિતને સર્વોપરી રાખ્યું. તેઓ 1986 થી 1990, 1993 થી 1998 અને 2004 થી 2005 સુધી ઘણી વખત ભાજપના અધ્યક્ષ રહ્યા.
આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારત રત્ન એવોર્ડ મેળવનારા લોકોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા લાલકૃષ્ણ અડવાણીને આ સન્માન આપવાની જાણકારી આપી હતી 30 માર્ચે ભારત રત્ન એવોર્ડ સમારોહને કારણે રાષ્ટ્રપતિ ભવનમાં “ચેન્જ ઓફ ગાર્ડ” સમારોહનું આયોજન કરવામાં આવ્યું ન હતું.