રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કાશ્મીરની મુલાકાતે, શ્રીનગરમાં હાઈ એલર્ટ

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બુધવારે કાશ્મીરની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ મુર્મુની આ પ્રથમ કાશ્મીર મુલાકાત હશે. તેઓ શ્રીનગરની કાશ્મીર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ મુલાકાતે આવવાના હોવાથી શ્રીનગર શહેરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
જાણકારી અનુસાર, શ્રીનગરના એરપોર્ટ પર ઉતર્યા બાદ રાષ્ટ્રપતિ મુર્મુ પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. બાદમાં તે કાશ્મીર યુનિવર્સિટી જશે. તેઓ બદામી બાગ ખાતે આર્મીના 15મી કોર્પ્સના મુખ્યાલયની મુલાકાત લેશે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. તેમને સેના કમાન્ડરો દ્વારા જમ્મુ-કાશ્મીર, ખાસ કરીને ઘાટીની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવશે.
શ્રીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાં દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. સોમવારથી શહેરમાં પ્રવેશતા માર્ગો પર વિવિધ સ્થળોએ નાકાબંધી કરી દેવામાં આવી હતી. દરેક મુલાકાતીઓની તલાસી લેવામાં આવી રહી છે. પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફની ક્વિક એક્શન ટીમ દ્વારા લાલ ચોકમાં એરિયા ડોમિનેશન ડ્રીલ પણ કરવામાં આવી રહી છે.