કેશ ઓન ડિલિવરી પર વધારાનો ચાર્જ વસૂલતી એપ પર સરકારની લાલ આંખ, ટૂંક સમયમાં થશે કાર્યવાહી…

આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન શોપિંગ દરેકના જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે, પરંતુ કેટલીક ઇ-કોમર્સ કંપનીઓની મનમાનીઓથી ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકાર હવે આવી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે, જેમાં કેશ ઓન ડિલિવરી માટે વધારાના ટેક્સ વસૂલવાની પ્રથાને ખાસ ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. આ પ્રકારની વ્યવસ્થાઓને ‘ડાર્ક પેટર્ન’ તરીકે ગણવામાં આવે છે, જે ગ્રાહકોને છેતરીને તેમનું શોષણ કરે છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે કેન્દ્રીય ઉપભોક્તા મંત્રી પ્રલ્હાદ જોશીએ શુક્રવારે જણાવ્યું કે સરકારે આ મુદ્દે તપાસ શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને પ્રીપેડ પેમેન્ટ કરાવવા માટે મજબૂર કરી રહી છે અને જો પ્રીપેડ ઓર્ડર કેન્સલ થાય તો રિફંડમાં વિલંબ કરે છે. આ પ્રથાને બંધ કરવા માટે સરકાર કડક પગલાં લેશે અને ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરશે.
ગ્રાહકો તરફથી મળેલી ફરિયાદોમાં જણાવવામાં આવ્યું છે કે કેટલીક કંપનીઓ કેશ ઓન ડિલિવરી માટે વધારાના ફી વસૂલી રહી છે. ઉદાહરણ તરીકે, એમેઝોન 7થી 10 રૂપિયા જ્યારે ફ્લિપકાર્ટ અને ફર્સ્ટક્રાય 10 રૂપિયા વધારાના લે છે. આવી ફીથી બચવા માટે ઘણા ગ્રાહકો અગાઉથી પેમેન્ટ કરી દે છે, જે તેમને અનુકૂળ નથી. મંત્રાલયે ગ્રાહકોને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.
કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીએ આ વિષય પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે ઉપભોક્તા વિભાગને આવી ફરિયાદો મળી છે અને તેને ડાર્ક પેટર્ન તરીકે ગણવામાં આવે છે. તેઓએ વિસ્તૃત તપાસ શરૂ કરવાની વાત કરી અને કહ્યું કે ભારતના વિકસતા ઇ-કોમર્સ ક્ષેત્રમાં પારદર્શિતા અને ન્યાયી વ્યવહાર જાળવવા માટે અધિકારોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાથી ગ્રાહકોને વધુ સુરક્ષા મળશે.
આ પણ વાંચો…કેવી રીતે ખબર પડે કે આ સાયબર ફ્રોડ છે? બચવા માટે માત્ર આટલું કરો!