મહિલા જીએસટી કમિશનરે કરોડની લાંચ લઈને તેને ગોલ્ડમાં કન્વર્ટ કરવા કહ્યું ને…

ઝાંસી: CBI અને ACB જેવી સરકારી તપાસ એજન્સીઓ અવારનવાર ભ્રષ્ટ અધિકારીઓને પકડી પાડતી હોય છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતેથી 70 લાખ રૂપિયાની લાંચ લેતા એક IRS અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ IRS અધિકારી એક મહિલા છે. જેનું નામ પ્રભા ભંડારી છે. તેના લાંચ લેતા પકડાવાની વાત રસપ્રદ છે.
કેસ રફેદફે કરવા માંગી મોટી લાંચ
ઝાંસીના ઝોકન બાગમાં આવેલી ‘જય દુર્ગા હાર્ડવેર’ નામની પેઢી પર ટેક્સ ચોરીનો આરોપ હતો. આ અંતર્ગત 19 ડિસેમ્બર, 2025ના રોજ CGST કમિશનર પ્રભા ભંડારીના નેતૃત્વમાં જીએસટીની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 13 કરોડ રૂપિયાની ટેક્સ વસૂલાતનો મામલો સામે આવ્યો હતો અને ટીમ ત્રણ કોથળા ભરીને દસ્તાવેજો જપ્ત કરી ગઈ હતી. આ કેસને રફેદફે કરવા માટે પ્રભા ભંડારીએ 1.5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
પ્રભા ભંડારી વકીલ નરેશ કુમાર ગુપ્તા મારફતે પેઢીના માલિક રાજુ મંગનાની સાથે સોદાબાજી કરી રહી હતી. અંતે બે હપ્તામાં પ્રભા ભંડારીને રકમ પહોંચાડવામાં આવશે એવું નક્કી થયું હતું. પહેલો હપ્તો 30 ડિસેમ્બર, 2025ના રોજ મળવાનો હતો. જેને લેવા માટે તેના બે સુપરિન્ટેન્ડેન્ટ અનિલ તિવારી અને અજય કુમાર શર્મા જવાના હતા. પરંતુ 70 લાખ રૂપિયા લેવા પહોંચેલા
અનિલ તિવારી અને અજય કુમાર શર્માને CBIએ રંગે હાથ ઝડપી લીધા હતા. આ બંનેની સાથોસાથ વકીલ નરેશ કુમાર ગુપ્તા તથા રાજુ મંગનાની પણ ઝડપાયા હતાં. આ બધું પ્રભા ભંડારીના કહેવા પર થઈ રહ્યું હતુ, એવું અધિકારીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું.
આ પણ વાંચો…47.32 કરોડ રૂપિયાના જીએસટી ક્રેડિટ ફ્રોડમાં વેપારીની ધરપકડ
એક કોલથી ફૂટ્યો મેડમનો ભાંડો
CBIએ પ્રભા ભંડારીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. CBIએ સુપરિન્ટેન્ડેન્ટ અનિલ તિવારી પાસે એક ફોન કરાવ્યો હતો. જેમાં અનિલ તિવારીએ કહ્યું હતું કે, “મેડમ, પાર્ટી તરફથી 70 લાખ રૂપિયા આવી ગયા છે.” ત્યારે સામેથી પ્રભા ભંડારીએ જવાબ આપ્યો હતો કે, “ખૂબ સરસ, આને તરત જ ગોલ્ડમાં કન્વર્ટ કરાવીને મને આપી દો”. આ એક કોલથી મેડમનો ભાંડો ફૂટી ગયો હતો. CBIએ પ્રભા ભંડારીની દિલ્હીથી ધરપકડ કરીને તેમના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતાં.
પ્રભા ભંડારીના ઠેકાણાઓ પર પડેલા દરોડાઓમાં 90 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સાથે તમામ આરોપીઓ પાસેથી કુલ 1 કરોડ 60 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રભા ભંડારીના ઠેકાણાઓ પરથી અનેક પ્રોપર્ટીના દસ્તાવેજો અને સોના-ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હતાં. CBIએ પ્રભા ભંડારીને ગાઝિયાબાદ કોર્ટમાં રજૂ કરી હતી અને રિમાન્ડ મેળવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, 2016 બેચની IRS અધિકારી પ્રભા ભંડારીને દર મહિને આશરે 1,30,000 રૂપિયા પગાર ઉપરાંત સરકારી આવાસ અને વાહન જેવી અનેક સુવિધાઓ મળતી હતી. પરંતુ ઉપરના રૂપિયાની મલાઈ ખાવાની લાલચે તેની IRS તરીકેની કારકિર્દી પર કાળો ડાઘ લગાવી દીધો છે.



