ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતનું રિએક્શન! પોસ્ટલ સેવા પર લાગ્યો અસ્થાયી પ્રતિબંધ

ભારત અને અમેરિકા વચ્ચે દિવસેને દિવસે વેપાસ સંબંધ વણસી રહ્યા છે. આ મહિનાના અંતમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરિફ સાથે 25 ટકા રશિયન તેલની ખરીદીને કારણે લગાવવામાં આવેલા ટેરિફ એમ કુલ 50 ટકા ટેરિફ લાગુ થઈ જશે.
આ નિર્ણયના અમલવારી પહેલા ભારતના પોસ્ટ વિભાગે શનિવારે જાહેરાત કરી છે કે અમેરિકા માટેની તમામ પોસ્ટલ સેવાસો 25 ઓગસ્ટથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. આ નિર્ણય યુએસના નવા કસ્ટમ્સ નિયમોને કારણે લેવાયો છે, જે આ મહિનાના અંતથી લાગુ થશે. આ નિર્ણયથી ભારતીય પોસ્ટલ સેવાઓ પર નોંધપાત્ર અસર થવાની શક્યતા છે.
આપણ વાંચો: અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની આફતને અવસરમાં રૂપાંતરિત કરો: મુખ્ય પ્રધાન
યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 30 જુલાઈના રોજ જારી કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર નંબર 14324 હેઠળ, 800 ડોલર સુધીના મૂલ્યની વસ્તુઓ પર ડ્યૂટી-ફ્રી ડી મિનિમિસ છૂટ રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત, ભારત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, અને રશિયન તેલની ખરીદીને કારણે વધારાના 25 ટકા દંડનો સમાવેશ થતાં કુલ 50 ટકા ટેરિફનો બોજ પડે છે.
આ નવા નિયમોને કારણે 29 ઓગસ્ટથી અમેરિકા મોકલવામાં આવતી તમામ પોસ્ટલ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી લાગુ થશે, જોકે 100 ડોલર સુધીની ભેટની વસ્તુઓને આ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આપણ વાંચો: ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને મોટો ફટકો! રશિયાએ ભારતને ક્રૂડ ઓઇલ રેટમાં આપી રાહત
પોસ્ટ વિભાગે જણાવ્યું કે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા 15 ઓગસ્ટના રોજ જારી કરાયેલી માર્ગદર્શિકામાં “ક્વોલિફાઈડ પાર્ટીઝ”ની નિયુક્તિ અને ડ્યૂટી ઉઘરાવવાની પ્રક્રિયા હજુ સ્પષ્ટ થઈ નથી.
આ અસ્પષ્ટતાને પરિણામે, યુએસ જતી એર કેરિયર્સે ભારતીય અધિકારીઓને જાણ કરી છે કે તેઓ ઓપરેશનલ તૈયારીના અભાવે 25 ઓગસ્ટ પછી કન્સાઇનમેન્ટ સ્વીકારી શકશે નહીં. પરિણામે, પોસ્ટ વિભાગે 25 ઓગસ્ટથી અમેરિકા માટેની તમામ પોસ્ટલ સેવાઓ, પત્રો/દસ્તાવેજો અને 100 ડોલર સુધીની ભેટની વસ્તુઓ સિવાય, સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
પોસ્ટ વિભાગે સ્પષ્ટ કર્યું કે જે ગ્રાહકોએ પહેલેથી જ બુક કરેલી પરંતુ ડિલિવર ન થયેલી વસ્તુઓનું પોસ્ટેજ રિફંડ કરવામાં આવશે. વિભાગે એમ પણ જણાવ્યું કે તેઓ આ મામલે તમામ હિતધારકો સાથે સંકલનમાં કામ કરી રહ્યા છે અને શક્ય તેટલી ઝડપથી સેવાઓ ફરી શરૂ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નવીનતમ અપડેટ્સ માટે પોસ્ટ વિભાગની વેબસાઈટનો સંપર્ક કરે.