Karanatakaમાં વિધાન પરિષદની 6 બેઠક માટે મતદાન યોજાયું
West Bangalમાં બે મતદાન મથકો પર ફરી યોજાયુ મતદાન
બેંગલુરુઃ લોકસભાની ચૂંટણીના સાત તબક્કાનું મતદાન પૂરું થયા પછી આજે કર્ણાટક (Karnaktak)માં વિધાન પરિષદ અને પશ્ચિમ બંગાળ (West Bangal)માં બે મતદાન મથક પર ફરી મતદાન યોજવામાં આવ્યું હતું. કર્ણાટક વિધાન પરિષદમાં શિક્ષકો અને સ્નાતકોના મતવિસ્તારની છ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીમાં સોમવારે મતદાન થયું હતું. આ છ બેઠકો પર ૭૮ સ્પર્ધકો મેદાનમાં છે અને ૬ જૂને મતગણતરી થશે.
કર્ણાટક ઉત્તર પૂર્વ સ્નાતક, કર્ણાટક દક્ષિણ પશ્ચિમ સ્નાતક, બેંગલોર સ્નાતક, કર્ણાટક દક્ષિણ-પૂર્વ શિક્ષક, કર્ણાટક દક્ષિણ-પશ્ચિમ શિક્ષક અને કર્ણાટક દક્ષિણ શિક્ષકના મતવિસ્તાર માટે ચૂંટણી યોજાઇ હતી. છ સભ્યોની નિવૃતિ બાદ આ બેઠકો ખાલી પડી હતી. સ્નાતકોના મતવિસ્તાર અને શિક્ષકોના મતવિસ્તારમાં અનુક્રમે ૩.૬૩ લાખ અને ૭૦,૨૬૦ મતદારો છે. ચૂંટણી પંચે શિક્ષકોના મતવિસ્તાર માટે ૧૭૦ મતદાન મથકો અને સ્નાતકોના મતવિસ્તાર માટે ૪૬૧ મતદાન મથકો સ્થાપ્યા છે.
કોંગ્રેસે મારીથિબ્બા ગૌડા(દક્ષિણ શિક્ષક મતવિસ્તાર), કે કે મંજુનાથ(દક્ષિણ-પશ્ચિમ શિક્ષક), અયાનુર મંજુનાથ(દક્ષિણ-પશ્ચિમ સ્નાતક), ચંદ્રશેખર પાટીલ(ઉત્તર-પૂર્વ સ્નાતક), રામોજી ગૌડા(બેંગ્લોર સ્નાતક) અને ડી ટી શ્રીનિવાસ(દક્ષિણ-પૂર્વ શિક્ષક)ને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ અને તેના સહયોગી જેડી(એસ) સાથે મળીને એમએલસી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ ચાર અને જેડી(એસ) બે બેઠકો પર લડી રહી છે.
આ પણ વાંચો: શું “Free electricity” માંથી “electricity free” રાજ્ય બનવા જઇ રહ્યું છે Karnataka..?
ભાજપે કર્ણાટક ઉત્તર-પૂર્વ સ્નાતક મતવિસ્તારમાંથી અમરનાથ પાટીલ, કર્ણાટક દક્ષિણ-પશ્ચિમ સ્નાતક મતવિસ્તારમાંથી ડો. ધનંજય સરજી, બેંગ્લોર ગ્રેજ્યુએટ્સ મતવિસ્તારમાંથી એ દેવગૌડા અને દક્ષિણ-પૂર્વ શિક્ષક મતવિસ્તારમાંથી વાય એ નારાયણસ્વામીને મેદાનમાં ઉતાર્યા છે. જેડી(એસ)ના ઉમેદવારો દક્ષિણ શિક્ષક મતવિસ્તારમાંથી કે વિવેકાનંદ અને દક્ષિણ પશ્ચિમ શિક્ષક મતવિસ્તારમાંથી ભોજે ગૌડા છે.
દરમિયાન પશ્ચિમ બંગાળની બારાસત અને મથુરાપુર લોકસભા બેઠકોના એક-એક મતદાન મથક પર ફરીથી મતદાન યોજાયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. બારાસત મતવિસ્તારમાં મતદાન કેન્દ્ર દેગંગા વિધાનસભા ક્ષેત્રમાં કદંબગાચી સરદાર પરા એફપી સ્કૂલમાં સ્થિત છે, જ્યારે અન્ય એક મતદાન કેન્દ્ર મથુરાપુર કાકદ્વિપ વિધાનસભા બેઠકના આદિર મહલ શ્રીચૈતન્ય વિદ્યાપીઠમાં સ્થિત છે.
સવારે 11 વાગ્યા સુધી દેગંગામાં બુથ નંબર 61 પર 31.62 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે કાકદ્વિપમાં બૂથ નંબર 26 પર 21.37 ટકા મતદાન નોંધાયું હતું, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે રિટર્નિંગ અધિકારીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને સંબંધિત નિરીક્ષકોના રિપોર્ટ્સના આધારે રવિવારે ફરીથી મતદાન કરવાનો નિર્ણય લેવાયો હતો. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન દરમિયાન 1 જૂનના રોજ મથુરાપુર અને બારાસતની બે બેઠકો પર મતદાન થયું હતું.