વડાપ્રધાન મોદીએ ટેરીફ મુદ્દે ટ્રમ્પને આપ્યો આડકતરો જવાબ; જાણો શું કહ્યું

નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી યુએસમાં આયાત થતી પેદાશો પર વધારાનો 25 ટકા ટેરીફ લગાવવાની જાહેરાત (Donald Trump tariff on India) કરી છે, હવે ભારતની પેદાશો પર કુલ ટેરીફ 50 ટકા થયો છે. ટ્રમ્પના આ પગલાની ભારતના વેપાર પર ગંભીર અસર થઇ શકે છે. અનેક વાર ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવી ચુકેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
અહેવાલો મુજબ યુએસમાં 50 ટકા ટેરિફના કારણે ભારતના કૃષિ, કાપડ, ઝવેરાત અને ઓટોમોબાઈલ ક્ષેત્રો પર સૌથી વધુ અસર થશે. ભારત વિવિધ કૃષિ પેદાશોની યુએસમાં નિકાસ કરે છે, ત્યારે ટેરિફ વધવાથી કૃષિ ભારત ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે.
‘હું કિંમત ચુકવવા તૈયાર’
એક નિવેદનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આડકતરી રીતે ટ્રમ્પને જવાબ આપતા કહ્યું કે ભારત તેના પશુપાલન ઉદ્યોગ અને માછીમારોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે. વડા પ્રધાને કહ્યું કે તેઓ જાણે છે કે તેમને વ્યક્તિગત કિંમત ચૂકવવી પડશે, પણ તેઓ ભારતના ખેડૂતો માટે આ કિંમત ચુકવવા તૈયાર છે.
દિલ્હીમાં આયોજિત એમએસ સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કહ્યું, “ખેડૂતોનું હિત એ અમારી પ્રાથમિકતા છે. ભારત તેના ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે. હું જાણું છું કે આ માટે મારે વ્યક્તિગત રીતે મોટી કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું એના માટે તૈયાર છું. ભારત તેના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિતની રક્ષા કરશે.” ભારત પર વધારાનો ટેરીફ લાદવાની જાહેરાતના થોડા કલાકોમાં જ ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી હતી. મંત્રાલયે યુએસના પગલાને “અન્યાયી, ગેરવાજબી અને દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યું હતું.
આ પણ વાંચો…અમેરિકાએ ભારતને આપ્યો તોતિંગ ઝટકો, ભારત પર લગાવ્યો કુલ 50 ટકા ટેરિફ…